શિક્ષા

એસપીબી કોલેજ ખાતે “યુવા મતદારોનું મહત્વ” વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એસપીબી કોલેજ ખાતે “યુવા મતદારોનું મહત્વ” વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ “યુવા મતદારોનું મહત્વ” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં મતદાનનું મહત્વ, મતદાર તરીકેની ફરજો અને જવાબદારીઓ તેમજ લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મજુરા, સુરતના નાયબ મામલતદાર (મતદાર યાદી) શ્રી જાસ્મિન એ. બોઘરા તથા શ્રી કમલ વી. રઘવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મતદાર નોંધણીની પ્રક્રિયા, મતદાનના અધિકારો, ચૂંટણીલક્ષી ફરજો અને લોકશાહી પ્રક્રિયામાં યુવાનોની સક્રિય ભાગીદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે લોકશાહીની સફળતા માટે જાગૃત, નિષ્પક્ષ અને જવાબદાર મતદાનનું મહત્વ પણ સમજાવ્યું હતું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને લોકશાહીમાં પોતાના મતાધિકારનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોલેજના IQAC કો-ઓર્ડિનેટર ડૉ. સવિતા સોંધી ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. આશિષ એન. પંડ્યાના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક પસ્તાગીયા અને ડૉ. ચિંતલબેન મોઢ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button