શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની 105મી રાજ્ય ગોષ્ઠિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – ધરમપુર ખાતે યોજાઈ

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની 105મી રાજ્ય ગોષ્ઠિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – ધરમપુર ખાતે યોજાઈ
વિવિધ શિક્ષણ સંસ્થાઓનાં દર્શન અને સંવાદ થકી ચિંતન કરનારું જૂથ એટલે શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’, તેની 105મી ત્રિદિવસીય રાજ્ય ગોષ્ઠિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – ધરમપુર ખાતે યોજાઈ હતી. તા.09-01-‘26ના રોજ રાત્રે પ્રથમ બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દી અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિઓની ઝોન પ્રમાણે આછેરી માહિતી આપવામાં આવી. સરદાર વલ્લભભાઈનાં ઉમદા કાર્યોની વાત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાનો અવસર મળ્યો, તેનો સૌ સમન્વયસાથીઓએ આનંદ વ્યક્ત કર્યો.
તા. 10-01-2026 ને શનિવારે પ્રથમ બેઠકમાં મુખ્ય સંયોજક શ્રી ડૉ. પરેશભાઈ પટેલે સમન્વયની પીઠિકા વિશે સુંદર વાત કરી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના પ્રતિનિધિ શ્રી હિરેનભાઈએ સૌને ભાવપૂર્વક આવકાર્યા હતા અને આશ્રમ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની આછેરી માહિતી આપી હતી. વડીલ શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીએ ‘આપણા સરદાર સૌના સરદાર’ વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું. ઉકા તરસાડિયા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. વાય. પી. કોસ્તાએ ‘શિક્ષણની ગઈ કાલ, આજ અને આવતીકાલ પર ચિંતનીય રજૂઆત કરી. માનનીય રેખાબહેને શિક્ષણમાં આધ્યાત્મિક સંયોજન પર વાત કરીને સૌને સાંપ્રત શિક્ષણ અસરકારક વાત કરી. ભોજન પછીના સત્રમાં બલદેવસિંહ ગોહિલે ‘અખંડ રાષ્ટ્રના નિર્માણમાં સરદાર સાહેબ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિકા વિશે વિવિધ પ્રસંગો રજૂ કરીને અદ્ભુત વાતો કરી હતી. શ્રી રાજેશકુમાર ધામેલિયાએ ‘સાચી જોડણી લાગે સહેલી’ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝંટેશન દ્વારા અસરકારક રજૂઆત કરી હતી. ડૉ. બી.એમ. શેલડિયાસાહેબે ‘સરદાર અને ગાંધી : તાદાત્મ્ય ઐક્ય’ પર ઊંડું ચિંતન-મનન કરનારું વક્તવ્ય આપીને સૌને વિચારવા પ્રેરિત કર્યા હતા. શ્રી અલ્પેશભાઈ પિપળિયાએ ‘શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ’ માટેની ફાઇલ કેવી રીતે બનાવવી જોઈએ, તેમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ; તે અંગે પ્રેરક માર્ગદ્ર્શન શ્રી પ્રકાશભાઈ ભટ્ટીએ “ચાલ,જીવી લઈએ” વિષય પર પોતાની આગવી, રસાળ શૈલીમાં રજૂઆત કરી; સૌને આનંદમગ્ન કર્યા હતા. ગોષ્ઠીના ત્રીજા દિવસે, વર્ગખંડમાં દિલથી કાર્ય કરનાર શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન મળે અને તેની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થાય તે માટે શ્રી અલ્પેશભાઈ પિપળિયાએ ‘શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ’ માટેની ફાઇલ કેવી રીતે બનાવવી જોઈએ, તેમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ; તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી જય વશીએ “ગાંધીજીની આધ્યાત્મિક યાત્રા અને શ્રીમદ્ રાજચંદ્ર” વિષય પર અદ્ભુત વાત કરતાં જણાવ્યું હતું કે, “ગાંધીજીને વાંચનાર વ્યક્તિ ગાંધીજીનો ચાહક બન્યા વિના રહી શકશે નહીં.” પૂર્વ મુખ્ય સંયોજક શ્રી નર્મદભાઈ ત્રિવેદીએ ગોષ્ઠિનાં સંસ્મરણો અને નવાચાર વિષયમાં મનનીય માર્ગદર્શન આપ્યું હતું. સમન્વયસાથી સુશ્રી બકુલાબહેન ડેલીવાલા અને સુશ્રી અંબિકાબહેન સુથારનાં જીવનકાર્યથી સૌ પરિચિત થાય અને એમનાં કાર્યોમાંથી પ્રેરણા મળે તે માટે ‘સંવાદ’નું આયોજન કર્યું હતું, તેનું સંચાલન શ્રી અલ્પેશભાઈ પટેલે કર્યું હતું. શ્રી મગનભાઈ પટેલે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ દ્વારા શિક્ષણ, આરોગ્ય, મૂંગાં પશુઓ માટે ખૂબ ઉમદા કાર્યો કરવામાં આવે છે, તેની આછેરી ઝલક આપી હતી.
ત્રિદિવસીય ગોષ્ઠિને સફળ બનાવવા માટે શ્રી મગનભાઈ પટેલ, શ્રી ડી.બી. મોરે, શ્રી તૃષારસિંહ અને શ્રી ડૉ. સુરેશભાઈ અવૈયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમનું સંપૂર્ણ સૌજન્ય પ્રાપ્ત થયું હતું.



