14 ડીસેમ્બર-રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
14 ડીસેમ્બર-રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
પ્રતિ ક્ષણ ઉર્જાનાં રક્ષણ થકી જ શક્ય “ઉર્જા સંરક્ષણ”
વિશ્વની વધતી જતી જનસંખ્યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જા સ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી. વીજળી સામાન્ય જનજીવનની જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્ય નથી. આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ પડે કે એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે આપણે વીજળીનો પ્રયોગ ન કરતા હોઈએ. સીધી કે આડકતરી રીતે લોકોને હવે સતત એના સંપર્કમાં રેહવું જ પડે છે.
ભારતમાં બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે. અશ્મિભૂત ઇંધણ(ઘણા વર્ષોની જહેમત બાદ પ્રાપ્ત થતું ઇંધણ જેનો વપરાશ કર્યા બાદ તે ઝડપતી પ્રાપ્ત થઈ શકતું નથી.), ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્પન્ન કરે છે પરંતુ તેમની માટે વધતી માંગને કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્યમાં તેની અછત સર્જાઈ શકે છે. ઊર્જા સંરક્ષણ દ્વારા ઊર્જાની બચત કરી શકાય છે. આ ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્બર, 1991નાં વર્ષથી “રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” ઉજવવમાં આવે છે. ભારત સરકાર દ્વારા આ માટે કેટલીક યોજનાઓ પણ ઘડવામાં આવી છે જેમકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,સૂર્ય શક્તિ કિસાન યોજના, સૂર્ય કૂકર યોજના વગેરે. ઊર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને બચાવવાનો છે. તેનાં માટે ઘણા પગલા લઈ શકાય છે :
વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. જ્યાં ત્યાં લાઇટ અને પંખા ચાલુ હોય ત્યાં બંધ કરી દેવા અને ઈલેક્ટ્રીસીટી ઓછી વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.
લાકડાનો ઉપયોગ ભારતમાં ઇંધણ તરીકે કરવામાં આવે છે. ગામડામાં મોટા ભાગના લોકો ખોરાક રાંધવા માટે પણ લાકડાનો ઉપયોગ કરે છે. જો એલપીજીનો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે તો લાકડાનો બચાવ થઈ શકે છે.
હંમેશા આઈએસઆઈ સ્ટેમ્પ્ડ પાવર ટૂલ્સ વાળા વીજળી સાધનોનો ઉપયોગ કરવો.
સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્મિભૂત ઇંધણનો બચાવ કરી શકીએ છીએ. સુર્યકુકરથી ભોજન બનાવી શકીએ છીએ. સોલાર બેટરી દ્વારા વીજળીનો પણ બચાવ કરી શકીએ છીએ.
બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરી શકાય છે.
પાણીનો વધુ પડતો વેડફાટ ન કરતા જરૂર પડે ત્યાં જ પાણીનો ઉપયોગ કરવો.