પ્રાકૃતિક ખેતી એ અમૃત: રાજ્યપાલ દેવવ્રતનો બાવળિયામાં સંદેશ

“પ્રાકૃતિક ખેતી એ અમૃત: રાજ્યપાલ દેવવ્રતનો બાવળિયામાં સંદેશ
✍️ હસમુખ પટેલ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે ગ્રામ કલ્યાણના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ ના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, તથા ગૌશાળા અને પ્રાકૃતિક ખેતીની રાજ્યપાલે મુલાકાત કરી.

શિનોર તાલુકાના બાવળિયા ગામે પરિસંવાદ કાર્યક્રમમાં સીધો સંવાદ સાધતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી દ્વારા જણાવાયું કે રાસાયણિક ખેતી માત્ર જમીનને બંજર બનાવે છે, એટલું જ નહીં માનવ જીવનમાં કેન્સર અને ગંભીર રોગોના ખતરનાક વધારા માટે જવાબદાર છે. જેથી પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવામાં કોઈ જોખમ નથી, આ ખેતીથી ઉત્પાદન ઘટતું નથી ,ઊલટું વધે છે .સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે અમૃત સમાન છે. પ્રાકૃતિક ખેતીના ગુજરાતમાં આશરે નવ લાખ સફળ મોડલો હોવાની નોંધ લીધી હતી.
રાજ્યપાલે પોતાના અનુભવ અંગે જણાવ્યું કે હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર ખાતેના ગુરુકુળમાં 200 એકર જમીન અને 400 ગૌ માતાઓ સાથે છેલ્લા 9 વર્ષથી એક પણ ટીપું યુરિયા, ડીએપી ,અથવા જંતુનાશક નો વપરાશ કર્યા વગર શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરેલ છે. અને ઉત્પાદન પ્રતિ વર્ષ વધે છે, તેનો હું પોતે સાક્ષી છું.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે જણાવ્યું કે ખેડૂતોની જમીનમાં ફળદ્રુપતા ઘટે છે, યુરિયા અને જંતુનાશકો ધરતીના મિત્ર સૂક્ષ્મ જીવો અળસિયા, પરોપકારી કિટકોને નષ્ટ કરી દેતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે રાજ્યપાલે જણાવ્યું હતું કે 2020 માં 70000 દર્દી હતા, પાંચ વર્ષમાં પ્રતિ વર્ષ 1:50 લાખ નવા દર્દીઓમાં વધારો એટલે કે બમણા થયા છે, પીએમજેવાય યોજનામાં 2.88 લાખ કેન્સરના દર્દીઓની સારવાર છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ છે.
તેઓએ જણાવ્યું કે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન ઘટી શકે પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધે છે કૃત્રિમ બીજદાન સહિત કૃષિ અને પશુપાલન કલ્યાણ ની વિવિધ યોજનાનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ ખેતી નિયામક જે.ડી.ચારેલે કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, નાયબ કલેકટર શિવમ બારીયા ,આત્માવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ,કૃષિ વિભાગ નો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિ ,માસ્ટર ટ્રેનર, કૃષિ સખીઓ અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ પછી રાજ્યપાલે વનરાજસિંહ ચૌહાણની ગૌશાળાની મુલાકાત લીધી, ગાય દોહનનું સૌભાગ્ય પ્રાપ્ત કરતાં સંવર્ધિત 150 દેશી ગાયોનુ નિરીક્ષણ કર્યું. દૈનિક 150 લીટર થી વધુ દૂધનું ઉત્પાદન થતું હોવાની જાણકારી મેળવી, ઉત્પાદન ક્ષમતા વધારવા માટે માર્ગદર્શક સૂચનો કર્યા. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરમાં જઈ પાકોની સ્થિતિ તથા પ્રાકૃતિક ખેતી ની પદ્ધતિઓની માહિતી મેળવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓની સાદાઈ ઉડીને આંખે વળગતી હતી. એકતા યાત્રામાં રોકાયેલા કરજણ-શીનોર -પોર વિધાનસભાના એક પણ નેતા કે ખેડૂત આગેવાનો આ સાદગીના સમારંભમાં હાજર રહ્યા નહોતા. એ આજના રાજકારણની તાસીર છે.



