શિક્ષા

ભારત વિદ્યાલય હાઈસ્કૂલમાં નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નું આયોજન, 196 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભારત વિદ્યાલય હાઈસ્કૂલમાં નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નું આયોજન, 196 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

સાધલીઃ શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ ભારત વિદ્યાલય હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને આત્મનિર્ભરતા વિકસે તે હેતુથી નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં શાળાના ધોરણ 9 થી 12 ના કુલ 196 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) વિષયોમાં રસ વિકસે તે માટે ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી) દ્વારા તારીખ 7 થી 10 જાન્યુઆરી દરમિયાન દેશભરમાં નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને સાધલી ભારત વિદ્યાલય હાઈસ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન લોક વિજ્ઞાન વડોદરાના દિનેશભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ અવસરે વિદ્યાર્થીઓને ક્વિઝ સંબંધિત સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ શાળાના મદદનીશ શિક્ષક કે.એસ. ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ડી.એસ. બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો જાન્યુઆરી 7 થી 10 દરમિયાન પ્રિલિમિનરી રાઉન્ડ તરીકે યોજાયો છે, ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં ઝોનલ લેવલ અને માર્ચના પ્રથમ સપ્તાહમાં અમદાવાદ સ્થિત સાયન્સ સિટીમાં ગ્રાન્ડ ફિનાલે યોજાશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેશભરમાંથી પસંદ થયેલા અંદાજે 1000 વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. 2 કરોડના પુરસ્કારો આપવામાં આવશે.

શાળાના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળ બન્યો હતો અને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button