ઉત્તરપ્રદેશના ૪૦ વર્ષીય બ્રેઈનડેડ માનસિંહ રાધેશ્યામ સિંહના અંગદાનથી ત્રણને મળશે નવજીવન

ઉત્તરપ્રદેશના ૪૦ વર્ષીય બ્રેઈનડેડ માનસિંહ રાધેશ્યામ સિંહના અંગદાનથી ત્રણને મળશે નવજીવન
સ્વ.માનસિંહના લીવર અને બે કિડનીનું દાન: નવી સિવિલ થકી કુલ ૯૧મું સફળ અંગદાન
‘અંગદાન મહાદાન’ની ભાવનાને સાકાર કરતો સિંહ પરિવાર
ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૯૧મું સફળ અંગદાન થયું છે. મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના વતની ૪૦ વર્ષીય બ્રેઈનડેડ માનસિંહ રાધેશ્યામ સિંહના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને લીવર અને બે કિડનીનું દાન કરતા ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના જયસિંહગઢના વતની ૪૦ વર્ષીય માનસિંહ ટ્રક ચલાવીને ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા.૧૭મી માર્ચના રોજ વ્યારા પાસે રેતી ભરેલા ટ્રકની ઉપર તાડપત્રી બાંધવા જતા વીજતારથી કરંટ લાગ્યો અને ત્યા જ બેભાન થઈ ગયા હતા. તત્કાલ સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગંભીર હાલત હોવાના કારણે રાત્રે ૯:૩૦ વાગ્યે સુરતની સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા. તા.૨૦/૦૩/૨૦૨૬ના રોજ આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા, ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ માનસિંહના પત્ની તેમજ પિતા, ભાઇ સહિતના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. સ્વજનના અંગદાનનો નિર્ણય લેતી વખતે દર્દીના પત્ની પુષ્પાસિંહે કહ્યું કે, અંગદાનથી કોઇનું જીવન બચી શકે, કોઇને નવું જીવન મળે તેનાથી મોટું શું હોઈ શકે? અને પરિવારજનોએ અંગદાનની સહમતિ આપી હતી.
બ્રેઈનડેડ માનસિંહના લિવર તથા બન્ને કિડની ઓપલો હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવી હતી. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ધરિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



