શિનોર એમ.જી.વી.સી.એલ.માં સ્માર્ટ મીટર કામગીરી 67 ટકા પૂર્ણ

શિનોર એમ.જી.વી.સી.એલ.માં સ્માર્ટ મીટર કામગીરી 67 ટકા પૂર્ણ
શિનોર: એમ.જી.વી.સી.એલ. શિનોર વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર મારફતે હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી અંદાજે 67 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકી કામગીરી સતત ચાલુ છે. હાલ સુધી આ કામગીરી દરમિયાન કોઈ મોટો પ્રશ્ન ઊભો થયો નથી.
શિનોર એમ.જી.વી.સી.એલ. વિભાગ હેઠળ કુલ 33 ગામોનો સમાવેશ થાય છે. ખેતીવાડીના આશરે 3,500 ગ્રાહકોના કનેક્શન બાદમાં રાખતાં, વેપાર, રહેણાંક તથા સરકારી સહિત તમામ વર્ગના મળીને કુલ અંદાજે 17,000 ગ્રાહકો આવે છે.
સ્માર્ટ મીટર સ્થાપન દરમિયાન કેટલીક જગ્યાએ મીટરો યોગ્ય રીતે ફિટ ન થવાના કિસ્સા જોવા મળ્યા છે. ક્યાંક મીટર ત્રાંસા મૂકવામાં આવ્યા છે તો ક્યાંક નટ-બોલ્ટથી યોગ્ય રીતે ફિટ કરાયા નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે સ્માર્ટ મીટર પાંચ જુદી-જુદી કંપનીઓના હોવાથી તેની સાઇઝમાં ફરક પડે છે. આ મીટરો AEW, ZEN, CAPITAL, L&T અને EPPELTONE કંપનીના છે.
આ બાબતે શિનોરના નાયબ ઇજનેર કુંદન સિંઘનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મીટર ફિટમેન્ટ સંબંધિત મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્માર્ટ મીટર કામગીરીમાં ગ્રાહકો તરફથી ઉત્તમ સહકાર મળી રહ્યો છે અને શિનોર ડિવિઝન એમ.જી.વી.સી.એલ.માં કામગીરીની દૃષ્ટિએ ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે.
સ્માર્ટ મીટરના ફાયદાઓ અંગે તેમણે જણાવ્યું કે ગ્રાહકોને રિયલ-ટાઇમ પાવર વપરાશની માહિતી, ઊર્જા બચત, ચોક્કસ બિલિંગ, પ્રીપેડ સુવિધા અને વધુ સગવડ મળે છે. જ્યારે વીજ કંપની માટે વીજ ચોરીમાં ઘટાડો, કાર્યક્ષમતામાં વધારો, મજબૂત નેટવર્ક મેનેજમેન્ટ, પ્રારંભિક તબક્કે ખામી શોધ, બિલિંગ અને કલેક્શનમાં સુધારો તેમજ પર્યાવરણ માટે ઊર્જા બચત અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડા જેવા લાભો થાય છે.
શિનોર તાલુકામાં સ્માર્ટ મીટર બાબતે ગ્રાહકો તરફથી વ્યાપક અને સકારાત્મક સહકાર મળી રહ્યો હોવાનું પણ જણાવાયું છે.



