28 જૂલાઈ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

28 જૂલાઈ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ
પ્રકૃતિ, ઈશ્વરની પ્રતિકૃતિ
વૃક્ષમ શરણમ ગચ્છામિ
જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર જન કલ્પના અને કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને વન્ય જીવ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે અને પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતાના હેતુથી દર વર્ષે 28 જુલાઇએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે.
વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વ ને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાઈ શકે છે, પણ પ્રાણીઓ ! આપણે દિવસે દિવસે જંગલો કાપીને પ્રાણીઓનાં નિવાસ સ્થાન છીનવી રહ્યા છીએ, પ્રકૃતિને ઉત્સાહભેર નુકસાન કરી રહ્યા છીએ. હા એક વાત છે આપે એ તો જોયું જ હશે કે હમણાં હમણાં વન્ય જીવોના કોઈ ગામમાં કે શહેરમાં પ્રવેશ કરવાનાં કિસ્સા હવે પહેલા કરતા વધુ થઈ રહ્યા છે. અહીં એમ કહેવાય છે કે વન્યજીવોએ કોઈ ગામમાં,વિસ્તારમાં ઘુસણખોરી કરી છે પરંતુ ખરી વાત તો એ છે કે મનુષ્યયે એના ઘરમાં ઘુસણખોરી કરી છે, કારણ કે વધતા જતા આધુનિકરણની પાછળ અહીં તહીં બંગલા, ઓફિસો બનાવવામાં વૃક્ષો કાપતા જઈએ છીએ. શહેરો લંબાતા જાય છે અને ગામડાઓ એમાં વિલીન થતા જાય છે. રોજ રોજ નવા રોડ રસ્તા બનાવવામાં, ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવામાં કેટકેટલાં વૃક્ષોનો ભોગ લેવાય રહ્યો છે.
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો હેતુ પ્રકૃતિનાં સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો છે. પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. કુદરતનું સંવર્ધન કરવા માટે કાયમી વિવિધ ઉપાયો કરતા રહેવું જરૂરી છે.