“પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને શિક્ષણના સંદેશ સાથે રાજ્યપાલનું શિનોરમાં પ્રેરણાદાયી આગમન”

“પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને શિક્ષણના સંદેશ સાથે રાજ્યપાલનું શિનોરમાં પ્રેરણાદાયી આગમન”
હસમુખ પટેલ, સાધલી✍️
ગુજરાતના રાજ્યપાલે શિનોર તાલુકાના બાવળિયા મુકામે તારીખ 03 ડિસેમ્બર રાત્રી રોકાણ કરી ગ્રામજનોને એક બની પ્રગતિ સાધવા શીખ આપી અને ગામના જ ખેડૂતના ઘરે સાદાઈથી ભોજન કરી, ગામમાં જ રાત્રી રોકાણ કર્યું. આજના નેતાઓને કોમનમેન કોને કહેવાય તેના દર્શન કરાવ્યા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળિયા મુકામે તારીખ 03 ડિસેમ્બર બુધવારના રોજ સાંજના પાંચ કલાક પછી મુલાકાત લીધી અને બાવળિયા ગામે ગ્રામ કલ્યાણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તે દરમિયાન ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અનેક પ્રવૃત્તિઓમાં નેતૃત્વ કરીને ભાગ લીધો અને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. સૌપ્રથમ એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણનું રક્ષણ કરવું આપણી સંયુક્ત જવાબદારી હોવાનું જણાવ્યું તથા વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિ સાથેનો સંબંધ ગાઢ બનાવવા સંદેશ આપ્યો.
સ્વચ્છતા અભિયાન ની શરૂઆત સાચા અર્થમાં જાતે સાવરણો લઈને કરી, જ્યારે હાલના નેતાઓ માત્ર ફોટો સેશન પૂરતા કરે છે ,અને આ પ્રસંગે બાવળિયા ગામમાં વર્ષોથી અવિરત સેવા આપતા 60 વર્ષીય સેવિકાને તેમની નિષ્ઠા અને મહેનત બદલ સન્માનિત કરવામાં આવ્યા. તેઓએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો, સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની આવશ્યકતા જણાવી અને ચાર ડિસેમ્બરના રોજ પરિસંવાદમાં જોડાવા ગ્રામજનોને આમંત્રણ આપ્યું.
ત્યારબાદ રાજ્યપાલ શ્રીએ પરમાર કનુભાઈ પરાગભાઈ ના નિવાસ્થાને પરંપરાગત તથા આત્મીય ભોજન લીધું જેના દ્વારા ગ્રામ સ્તર સાથે તેમના આત્મીય સંબંધ વ્યક્ત કર્યો. આ અવસરે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તેમજ અન્ય અધિકારીઓ હાજર હતા. ગામ લોકોની વાત સાંભળી, ગામના વિકાસ, સ્વચ્છતા, કુદરતી ખેતી અને બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું. ભોજન બાદ રાત્રી ગ્રામ સભામાં સંપૂર્ણ સાદાઈથી ખાટલા પર બેસીને, તેમને ગામને આદર્શ બનાવવા માટે એક થઈ આગળ વધવાની પ્રેરણા આપી હતી. ગ્રામ પંચાયત કચેરી ખાતે રાત્રી નિવાસ કર્યો, જેનાથી ગ્રામ જીવનને નજીકથી સમજવાની અને લોકો સાથે સીધો સંપર્ક સાધવાની તેમની નિષ્ઠા સ્પષ્ટ થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ના કોઈ ખોટો આડંબર, ના કોઈ ખોટો ખર્ચો, ના કોઈ ખોટુ ફોટોસેશન, ના કોઈ નેતાઓનો જમેલો કરવામાં આવ્યો હતો.



