દત્ત જયંતિ પર બે મિત્રોએ ભક્તોને પીવડાવી ખાસ દેશી ગોળની ચાહ,

દત્ત જયંતિ પર બે મિત્રોએ ભક્તોને પીવડાવી ખાસ દેશી ગોળની ચાહ
માનવતા ની મહેક ફેલાવતા યુવાનોની સરાહનીય પહેલ
સુરત: આજના સમયમાં જ્યાં કેટલાક યુવાનો પોતાનું જીવન સંભાળવામાં જ વ્યસ્ત રહે છે, ત્યાં કેટલીક યુવાની પેઢી સમાજ હિત માટે નિસ્વાર્થ સેવાભાવથી આગળ આવી રહી છે. એવા જ બે યુવા મિત્રો—દીપક ત્ર્યંંબક માળી અને લિલાધર નામદેવ માળી—દત્ત જયંતિના પાવન અવસર પર અનોખી સેવાભાવી કામગીરી કરીને ચર્ચામાં આવ્યા છે. વેડ રોડ શિંગણાપોર નજીક સ્થિત સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે અક્ષર વાડી વોટર પ્લાન્ટ નજીક “અક્ષર ચાહ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ” નામે તેઓ શુદ્ધ દેશી ગોળની ખાસ ચાહ વેચી જીવનનિર્વાહ કરે છે. દરરોજની તેમની મહેનતથી મળેલી કમાણીમાંથી રકમ બચાવીને આ યુવાનોએ દત્ત જયંતિના દિવસે પાલકી યાત્રામાં સામેલ થયેલા સૈંકડો ભક્તોને નિઃશુલ્ક સ્પેશિયલ દેશી ગોળની ચાહ પીવડાવી માનવતાની સુગંધ ફેલાવી છે. બંને યુવાનો બાળપણથી જ સાથે ભણ્યા છે અને તેમની મિત્રતા આજે પણ એટલી જ મજબૂત છે. થોડા સમય પહેલાં જ તેમણે ડભોલી, શિંગણાપોર અને વેડ રોડ વિસ્તારમાં પ્રથમ વખત શુદ્ધ દેશી ગોળની ચાહ વેચવાની શરૂઆત કરી છે, જેને લોકો તરફથી સારું પ્રતિસાદ મળી રહ્યું છે. ઠંડીના દિવસોમાં દેશી ગોળની ચાહ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી માનવામાં આવે છે. વડીલોના કહેવા મુજબ ગોળવાળી ચાહ શરીરને ઊર્જા, ગરમાવો અને સ્ફૂર્તિ આપે છે. આવા સ્વસ્થ્યપ્રદ અને સેવાભાવી કાર્ય દ્વારા આ બંને યુવાનોએ સમાજ માટે એક ઉત્તમ સંદેશ આપ્યો છે.



