માંડવીના યોગકોચ કમલેશભાઈ ચૌધરીનું સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માન

માંડવીના યોગકોચ કમલેશભાઈ ચૌધરીનું સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માન
મુખ્યમંત્રી હસ્તે મેડલ એનાયત: સુરત જિલ્લામાં પ્રથમ સ્થાને
માંડવી તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી નિયમિત રીતે નિશુલ્ક યોગ કક્ષાઓનું સંચાલન કરી રહેલા માંડવી તાલુકા યોગકોચ કમલેશભાઈ ચૌધરીને સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.
તા.૨૧ ડિસેમ્બર-વિશ્વ ધ્યાન દિવસના અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોગકોચ અને યોગ ટ્રેનરનો પ્રથમ દીક્ષાંત સમારોહ તથા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જ્યભરના યોગસાધકો અને યોગકોચોને સન્માન અંતર્ગત કમલેશભાઈને મેડલ એનાયત થયો હતો.
નોંધનીય છે કે, કમલેશભાઈ અને અંજલિબેન વાંકડા દ્વારા માંડવીમાં સવાર અને સાંજના સમયે ચાલતી આ યોગશિબિરમાં યોગપ્રેમી નગરજનો નિયમિત રીતે જોડાઈ રહ્યા છે. યોગના પ્રચાર અને પ્રસાર માટે યોગકોચ દ્વારા માત્ર કક્ષાઓ પૂરતું સીમિત ન રહેતા, વિવિધ જાગૃતિ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ તથા નગરજનોમાં આરોગ્ય પ્રત્યે ચેતના જગાવવા રેલીઓ યોજે છે, પરિણામે, માંડવીમાં યોગ પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.



