પર્વ આડે પળોજણ: જન્માષ્ટમીએ તિથિ અને નક્ષત્રનો વિચિત્ર સંયોગ
૬ સપ્ટે.એ સ્માર્ત અને ૭મીએ વૈષ્ણવોની જન્માષ્ટમી, ૭મીએ જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે
ગુરુવારે રાત્રિએ ૧૨ વાગ્યે રોહિણી નક્ષત્ર, આઠમની તિથી વિના જ મૃગશીર્ષ નક્ષત્રમાં કાનુડો પારણે ઝૂલશે
સુરત: રક્ષાબંધન પર્વની ઉજવણી આડે ભદ્રાનું મહણ હોય રાખડી બાંધવા મુદ્દે ગડમથલ જોવા મળી હતી. દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસ રક્ષાબંધનનો માહોલ દેખાયો હતો. જોકે, રક્ષાબંધન બાદ હવે જન્માષ્ટમી વેળાએ પણ તિથિ અને નક્ષત્રનો વિચિત્ર સંયોગ જોવા મળશે. ૬ સપ્ટેમ્બરના રોજ સ્માર્ટ અને ૭મીએ વૈષ્ણવોની જન્માષ્ટમી ઉજવાશે. મટકીફોડ સહિતના કાર્યક્રમોની ૭ સપ્ટેમ્બરના ગુરુવારે જ ઉજવણી થશે. જોકે, ગુરુવારે રાત્રિએ ૧૨ વાગ્યે રોહિણી નક્ષત્ર અને આઠમની તિથી વિના જ મૃગશીર્ષ નક્ષત્રમાં કાનુડો પારણે ઝૂલશે.
હતો. તે સમયે હર્ષણ યોગ હતો. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, આગામી ગુરુવારે વૈષ્ણવોની જન્માષ્ટમી સાથે જ શહેરમાં રંગારંગ ઉજવણીનો દૌર જોવા મળશે. જ્યારે બુધવારે સ્માર્ત જન્માષ્ટમીનો ઉલ્લેખ પંચાગમાં કરાયો છે. બુધવારે બપોરે ૧૫.૩૯ વાગ્યાથી આઠમની તિથિ શરૂ થશે અને ગુરુવારે સાંજે ૪.૧૫ વાગ્યા સુધી આઠમ રહેશે. રોહિણી નક્ષત્ર બુધવારે સવારે ૯.૨૦ વાગ્યાથી ગુરુવારે સવારે ૧૦.૨૫ વાગ્યા સુધી છે. ત્યાર બાદ મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થશે અને તે શુક્રવારે બપોરે ૨.૨૭ વાગ્યા સુધી રહેશે. પરંપરા પ્રમાણે જન્માષ્ટમીએ રાત્રિએ ૧૨ વાગ્યે કાનુડાને પારણે ઝૂલાવવામાં આવે છે. જોકે, આ વર્ષે ગુરુવારે રાત્રિએ ૧૨ વાગ્યે રોહિણી નક્ષત્ર અને આઠમની તિથિ બન્ને રહેશે નહીં. ગુરુવારે રાત્રિએ ૧૦.૦૧ વાગ્યા સુધી વજ્ર યોગ રહેશે. આમ, જન્માષ્ટમી તિથિ અને નક્ષત્રનો વિચિત્ર સંયોગ જોવા મળશે.
સુરતમાં ૧૪૧ ગોવિંદા મંડળો નોંધાયા, ૧૨ હજારથી વધુ મટકી ફૂટશે
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે ગુરુવારે ૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યે ભાગળ ચાર રસ્તા પર મુખ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ, ગુરુવારે સાંજે ૪ વાગ્યે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. ભાગળ અને લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરાયો હતો. ડ્રોમાં સુરત શહેરની ભાગળની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ, વેડરોડ દ્વારા ફોડાશે. સંયોજક તરીકે અડાજણનું બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ-અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે. અમરજ્વાલા સ્પોર્ટ્સ ક્લબ-વેડરોડને ૭૫ વર્ષ પૂરા થયા હોય એમને વિશેષ મટકી ફોડવા આમંત્રણ અપાયું છે. લિંબાયત સંજય નગર ચોકમાં યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત મટકીફોડ કાર્યક્રમ માટે ૧૧ મંડળના ડ્રો થયા છે. ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા. આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે. સુરતમાં ૧૨ હજારથી વધુ મટકી ફૂટશે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્તર ભારતીય પંચાગ પ્રમાણે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અને દક્ષિણ ભારતીય પંચાગ પ્રમાણે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ રાત્રિએ ૧૨ વાગ્યે રોહિણી નક્ષત્રમાં વૃષભ લગ્નમાં થયો.