શ્રી ઈ. મો. જિનવાળા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના શિક્ષકોનો ‘ચાલો, કાર્યદક્ષતા વિકસાવીએ’ અને ‘ભાષાસજ્જતા’ પરિસંવાદ યોજાયો
- શ્રી ઈ. મો. જિનવાળા કેળવણી મંડળ સંચાલિત શાળાઓના શિક્ષકોનો ‘ચાલો, કાર્યદક્ષતા વિકસાવીએ’ અને ‘ભાષાસજ્જતા’ પરિસંવાદ યોજાયો
- વિદ્યાર્થીઓમાં રહેલા ગુણોને પારખીને તેને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન પૂરું પાડનાર કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને સમાજ હંમેશાં બિરદાવે છે. – રાજેશ ધામેલિયા
શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. જે સતત નવું શીખતાં રહે છે, તે જ વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે શીખવે શકે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને શ્રી ઈ. મો. જિનવાળા કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓના બધાં જ શિક્ષકો માટે ‘ચાલો, કાર્યદક્ષતા વિકસાવીએ’ અને ‘ભાષાસજ્જતા’ પરિસંવાદ લીલાબા વિદ્યાલય, લાલ દરવાજા – સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પરિસંવાદનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો. શાળાના શિક્ષિકા બહેનોએ સુમધુર કંઠે પ્રાર્થના અને મંડળ ગીતનું ગાન કર્યું. શ્રીમતી બિનિતાબહેન ત્રિવેદીએ શબ્દપુષ્પથી વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાનું સ્વાગત કર્યું અને શ્રીમતી દીપિકાબહેન વેસુવાળાએ પરિચય રજૂ કર્યો.
આ પ્રસંગે શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે શળા પરિવાર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ શાળાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, તે અભિનંદનીય બાબત છે. શિક્ષણ પદ્ધતિ-પ્રવિધિઓમાં નવા બદલાવો આવી રહ્યા છે. જૂની ઘરેડ પ્રમાણે આજના વિદ્યાર્થીઓને ભણાવી શકાશે નહીં. બાળમાનસને સમજીને રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો ત્રિવેણી સંગમ થાય તો અદ્ભુત પરિણામો મેળવી શકાય. શિક્ષકનું કામ માત્ર અભ્યાસક્રમ પૂરો કરવાનું નથી, વિદ્યાર્થીઓમાં રહેલા ગુણોને પારખીને તેને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન પૂરું પાડવાનું તેમજ આત્મવિશ્વાસ જગાવવાનું છે. આવાં કાર્યો કરનાર કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને સમાજ હંમેશાં બિરદાવે છે. શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી નરેન્દ્રભાઈ મોદી (વડાપ્રધાન શ્રી), ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી) વગેરે અનેક મહાનુભાવોએ ભાવપૂર્વક પોતાના શિક્ષકોનું અભિવાદન કર્યું હતું તે આપણે જાણીએ છીએ.”
વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષક કેટલું મોટું યોગદાન આપી શકે છે તેની વાત જેસિકા કુક (હાથ વિનાની પાઇલોટ) અને ડો. અબ્દુક કલામ સાહેબનાં જીવન પ્રસંગો દ્વારા સમજાવી હતી. ભાષાસજ્જતા પરિસંવાદમાં ભાષાઓના તુલનાત્મક અભ્યાસ અંગે અને સહેલાઈથી સાચી જોડણી શીખવવાની પ્રયુક્તિઓ વિશે છણાવટ કરી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકુંદભાઈ જરીવાળા, ટ્રસ્ટના મંત્રી શ્રી ધીરેનભાઈ શાહ, શ્રીમતી પાયલબહેન શાહ (એકેડેમિક ડાયરેક્ટર), તમામ શાળાઓના વિવિધ વિભાગના આચાર્યાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓના હસ્તે આજના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.