આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરતા આરોગ્ય મંત્રી
‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો યુગ: શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે: આરોગ્ય રાજ્યમંત્રી
દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન
૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સમાં મિલેટ્સ વાનગીઓએ સુરતવાસીઓમાં આકર્ષણ જમાવ્યું: મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણવાની તક
પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન અડાજણ ખાતે આયોજિત સુરત જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ને આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.
જિલ્લા ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણ, હનીપાર્ક રોડ સ્થિત જોગાણીનગર પાર્ટી પ્લોટમાં દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ ઉભા કરાયા છે. મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે ૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સ છે.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલું ધાન્ય જ જન-જનની શારીરિક અને માનસિક તંદુરસ્તીની જડીબુટ્ટી છે. નાના ખેડૂતો માટે મિલેટ્સની ખેતી આશીર્વાદરૂપ છે, સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ મિલેટ્સ ગુણકારી છે.
તેમણે ઉમેર્યું કે, મિલેટ્સના ગુણધર્મો, ઉપયોગિતા વૈશ્વિક સ્તરે પ્રચલિત થાય એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું. ભારતની આ પહેલને કારણે આજે સમગ્ર વિશ્વ પૌષ્ટિક આહાર તરીકે ભારતીય ધાન્ય તરફ વળ્યું છે.
આધુનિક સમયમાં પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં જેમ આપણે ‘ફેમિલી ડોક્ટર’ રાખીએ છીએ, તેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો જમાનો આવ્યો છે. જે પરિવાર પાસે શુદ્ધ અને સાત્વિક આહાર પૂરો પાડતા ખેડૂત હશે, તે પરિવારને ફેમિલી ડોક્ટર પાસે કે હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે.
લોકોમાં સામૂહિક સ્વાસ્થ્ય જાગૃતિ આવી છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, આજે લોકોના ડાયેટ ચાર્ટમાં મિલેટ્સનો સમાવેશ થયો છે. લોકો જાડા ધાન્યના ગુણો, સ્વાદ અને પોષણ પ્રત્યે જાગૃત્ત બન્યા છે.
મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને કૃષિ વિજ્ઞાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ ખેતીના સાયન્સ પર અદ્દભૂત કાર્ય કર્યું છે. દધિચી ઋષિની અળસિયા પદ્ધતિની ખેતી અને ગૃત્સમદ ઋષિ દ્વારા કપાસની શોધ આપણી વૈદિક સંસ્કૃતિનું અમૂલ્ય ભાથું છે. ગૃત્સમદ ઋષિ ભારતીય પરંપરામાં કપાસના પ્રથમ ખેડૂત અને વસ્ત્ર નિર્માણ કલાના જનક તરીકે ઓળખાય છે.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જે અસામાજિક તત્વો ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી સમાજ દ્રોહ કરી રહ્યા છે તેમનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જો સવાસો કરોડ દેશવાસીઓ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો અપનાવશે તો ભારત એક સશક્ત અને તંદુરસ્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મળે અને શહેરના લોકો સીધા ખેડૂતો પાસેથી શુદ્ધ પ્રોડક્ટ ખરીદે તે માટે મિલેટ મહોત્સવ જેવા આયોજનો અત્યંત જરૂરી છે.
શ્રી પાનશેરિયાએ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-પ્રદર્શનને ખૂલ્લું મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂતો, એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલર, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન અધ્યક્ષશ્રી પરેશ પટેલ, જિ. વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) કે.વી.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, કૃષિ વૈજ્ઞાનિક ડો. બી.કે. દાવડા, નાયબ ખેતી નિયામક(તાલીમ) વી.આઈ. પટેલ સહિત પદાધિકારી-અધિકારીઓ, મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
૧૫ ફુડ સ્ટોલ્સમાં અવનવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે
સુરત સહિત દ.ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ૩૫ જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનોને વેચાણ માટે પ્રદર્શિત કર્યા છે. મિલેટ્સ ફૂડના ૧૫ સ્ટોલ્સમાં અવનવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર, નાગલી, આંબા મોર રાઈસ, દુધ મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક ખેતપેદાશો સુરતીઓને ખરીદવાની તક છે. મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. નાગલીના ઢોકળા અને શીરો, જુવાર-બાજરીના રોટલા, લાલ કડા પેજુ, મિલેટ વડા, નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ, રીંગણ બટાકાનું શાક, કઠોળ, પનેલા, દાળ-ભાત જેવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણવાની તક ચૂકવા જેવી નથી.
તા.૨૨મી સુધી સવારે ૯.૦૦ થી રાત્રે ૮.૦૦ સુધી ખૂલ્લા રહેનારા આ મહોત્સવમાં મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે. મિલેટ્સ આધારિત રસોઈ, લાઈવ ફૂડસ્ટોલ્સ, ફૂડ પ્રોસેસિંગનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ જોવા મળશે.



