ગુજરાત

રાજ્યમાં આધાર અપડેટની માથાકૂટ વધી

રાજ્યમાં આધાર અપડેટની માથાકૂટ વધી
કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા લોકો
ઈ-કેવાયસી અને આધાર અપડેટથી લોકો પરેશાન થયા
સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ રાજ્યભરમાંથી કેવાયસીનો કકળાટ જોવા મળ્યો હતો. કેવાયસી કરાવવા માટે લોકોની લાઈનો હતી પરંતુ સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો હવે આધાર કાર્ડમાં પણ લોકો હાલ જોરદાર હેરાન થઈ રહ્યા છે. આધારમાં પણ અપડેટ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે લાઈનમાં હોય તેવું લાગી રહ્યું છે. જાતભાતના સરકારી કામ માટે જ્યાં નજર કરીએ ત્યાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. કેવાયસીની કામગીરી હોય કે રાશન કાર્ડની કામગીરી બધે જ લાઈનો જોવા મળી હતી. આ લાઈનો હજુ ઓછી થવાનું નામ નથી લઈ રહી.રાજકોટના જેતપુરમાં જ્યાં પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સુધારા વધારા માટે લાઈનો જોવા મળી રહી છે. તો સુરતમા બહુમાળી ખાતે લોકો લાઈનમા હેરાન થતા નજરે પડે છે. અરજદારો પોતાનો કામ ધંધો છોડીને સવારથી જ લાઈનમાં લાગેલા જોવા મળી રહ્યા છે.
અરજદારો પોતાનો કામ ધંધો છોડીને લાઈનમાં લાગેલા છે. પરંતુ લાઈનમાં લાગ્યા પછી પણ કામ થશે કે નહીં તે નક્કી નથી કારણ કે આધારનું સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે.
ઘણીવાર તો એવું થાય છે કે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે નંબર આવે ત્યારે જ સર્વર બંધ થઈ જાય છે.જેના કારણે વ્યક્તિનો આખો દિવસ ફેલ જાય છે. આવું તો ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે.
રાજકોટના જેતપુરમાં નવા આધારકાર્ડ માટે અને આધારકાર્ડમાં સુધારા-વધારાની કામગીરી માટે વહેલી સવારથી અરજદારોની લાઈનો લાગે છે. કડકડતી ઠંડીમાં બાળકો સહિતના લોકો ઉભા રહેવા મજબૂર બને છે તેમ છતાં પણ આધારકાર્ડની કીટ વધારવામાં નથી આવતી. ઘણી વખત તો સવારથી ઉભા રહ્યા હોય અને જ્યારે નંબર આવે ત્યારે આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવે છે જેથી અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે આધાર ફરજિયાત છે પરંતુ આધાર બનાવવાની ઢીલી કામગીરીથી લોકોમાં ભારે રોષ છે સાથે કામગીરી પણ સમયસર ન થતી હોવાથી મુશ્કેલી ભોગવવી પડે છે…ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દે ધ્યાન આપે તેવી માગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button