ઉધના વિસ્તારમાં ઓફિસમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો, ₹30 હજારનો મુદ્દામાલ કબજે

ઉધના વિસ્તારમાં ઓફિસમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો, ₹30 હજારનો મુદ્દામાલ કબજે
સુરત શહેરમાં લૂંટ, સ્નેચિંગ તથા મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાગ જામીર (સેક્ટર-1), નાયબ પોલીસ કમિશ્નર ડો. કાનન દેસાઈ (ઝોન-2) તથા I/C મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી વી.એમ. જાડેજા (“સી” ડિવિઝન) દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સખત સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને ગત તા. 23/02/2026ના રોજ રાત્રિના સમયે ઉધના રોડ નં. 3, સી-01 મેક્સીકન પ્લાઝા પાસે ઘાયલ સ્પોર્ટ્સની બાજુમાં આવેલી કેબી એસોસિયેટ નામની વકીલની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ઇસમએ ઓફિસનું શટર ઉંચું કરી કાચના પાર્ટીશનનો લાકડાનો ભાગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સી.પી.યુ. તથા કી-બોર્ડ મળી આશરે ₹30,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયો હતો. બનાવ અંગે ફરીયાદ મળતા ઉધના પોલીસ સ્ટેશન “A” પાર્ટ ગુ.ર.નં. 11210047260458/2026 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 331(4), 305(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉધના પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એન. દેસાઈ તથા II પો.ઇન્સ. જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ. એચ.ઝેડ. પટેલના નેતૃત્વમાં ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપી રીજવાન ઉમર મોહમદ શેખ (ઉંમર 28, રહે. સંજયનગર ઝુપડપટ્ટી, ઉધના)ને ઝડપી પાડી ચોરી કરાયેલ સી.પી.યુ. અને કી-બોર્ડ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીથી વિસ્તારમાં કાયદો-સુવ્યવસ્થા જાળવવામાં સફળતા મળી છે.



