ભરૂચના દહેજ વિસ્તારમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને અદાણી સમૂહ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ અપાઈ

ભરૂચના દહેજ વિસ્તારમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને અદાણી સમૂહ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ અપાઈ
દહેજ, ભરૂચ : અદાણી પોર્ટ દહેજ ટીમ દ્વારા કર્મચારી સ્વયંસેવક પ્રવૃત્તિ હેઠળ દહેજ વિસ્તારના ૧૨ ગામની ૧૪ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર તાલીમ આપવામાં આવી હતી. અદાણી પોર્ટ દહેજ અને અદાણી ફાઉન્ડેશને સંયુક્ત રીતે અને સ્થાનિક શાળાના સહયોગથી યોજાયેલી આ નવતર પહેલને વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી ઉત્સાહવર્ધક પ્રતિસાદ સાંપડ્યો હતો.
પૂર્ણાહુતિ કાર્યક્રમ અટાલી આશ્રમશાળામાં યોજાયો હતો. આ પ્રસંગે દહેજ પોર્ટના સીઓઓ કેપ્ટન ધરમ પ્રકાશ, સિક્યુરિટી હેડ નિયાઝુદ્દીન ખાન, સ્વાસ્થ્ય અધિકારી હબીબ પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકો અને અદાણી ફાઉંડેશન ટીમ હાજર રહી હતી. તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવીને, દૈનિક જીવનમાં થતી નાની આપત્તિઓ દરમિયાન તેઓ સલામત અને યોગ્ય પ્રતિસાદ આપી શકે તેવો આત્મવિશ્વાસ વિકસાવવાનો હતો. તાલીમ દરમિયાન પ્રાથમિક સારવારનો પરિચય, આપત્તિ સમયે અનુસરવાના સુરક્ષા નિયમો, કાપ, દાઝ, નાકમાંથી લોહી આવવું અને પડી જવાની સ્થિતિમાં સારવાર બેભાન અથવા ચક્કર આવતાં બાળકને મદદ કરવાની પદ્ધતિ, ઈમરજન્સી સેવાઓ માટે 108 પર સંપર્ક, ગળામાં ખોરાક અટવાય તેવા કિસ્સામાં કરવાના પગલાં, કરવાના અને ન કરવાના મુદ્દાઓ (Do’s & Don’ts) વગેરે વિશે નિષ્ણાંતો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ મહાનુભાવોએ અટાલી આશ્રમ શાળાના ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી. આ ડાઈનિંગ હૉલ આદિવાસી વિદ્યાર્થીઓ માટે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અદાણી ફાઉન્ડેશનના યોગદાનથી નિર્માણ થયું હતું. ઉલ્લેખનીય છે કે અટાલી આશ્રમ શાળા એક નિવાસી શાળા છે, જ્યાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આવી પહેલો દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા સતત પ્રયત્નશીલ છે.



