અદાણી આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે

અદાણી આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, ૧૪ નવેમ્બર ૨૦૨૫ – ભારતના ખાનગી ક્ષેત્રના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા પ્લેટફોર્મ, અદાણી ગ્રુપની બે પોર્ટફોલિયો કંપનીઓને આસામ સરકાર તરફથી આસામમાં બે પરિવર્તનશીલ પ્રકલ્પો માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે: એક અત્યાધુનિક થર્મલ પાવર પ્લાન્ટ અને એક અગ્ર પમ્પ્ડ સ્ટોરેજ સુવિધાનું નિર્માણ કરવા માટે બન્ને મળી રાજ્યમાં રૂ. ૬૩,૦૦૦ કરોડનું રોકાણ કરશે.
ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) આસામમાં 3,200 મેગાવોટનો ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 48,000 કરોડનું રોકાણ કરશે. ઉપરાંત ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી રાજ્યમાં 2,700 મેગાવોટની સંયુક્ત ક્ષમતાવાળા બે પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ (PSP) સ્થાપવા માટે રૂ. 15,000 કરોડનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જીને 500 મેગાવોટ ઊર્જાની સંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવા માટે LoA મળ્યો છે જે આ PSPs પાસેથી પૂરી પાડવામાં આવશે.
આ સીમાચિહ્ન સમાન પહેલો અદાણી સમૂહના ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના વ્યૂહાત્મક વિકાસનું લક્ષ્ય દર્શાવે છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા પ્રદેશના વિકાસ અને વૃદ્ધિમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવાના જાહેર કરેલા સંકલ્પ સાથે સુસંગત છે.
શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભારતની વિકાસગાથામાં એક મહત્વપૂર્ણ સીમા તરીકે ઉભરી રહેલા ઉત્તર-પૂર્વ ક્ષેત્રના પરિવર્તનમાં સહયોગ કરવાનું અમને ગૌરવ છે. તેમણે કહ્યું હતું કે આસામમાં અમારા 3,200 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્રકલ્પો અને 2,700 મેગાવોટના PSP પ્રકલ્પો સંયુક્ત રીતે આ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા રોકાણ ઉપરાંત ઉર્જા સુરક્ષા, ઔદ્યોગિક વિકાસ અને રોજગારીના સર્જનની દીશામાં મજબૂત પ્રયાણનું પણ સહિયારું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકલ્પો ફક્ત આસામને ઉર્જા જ પૂરી નહી પાડે પરંતુ સમગ્ર ઉત્તરપૂર્વ કોરિડોરની કાયા પલટને ઉત્તેજિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે આસામ અને સમગ્ર ઉત્તરપૂર્વની પ્રગતિમાં સહભાગી થતાં સન્માનભાવની અનુભૂતિ કરવા સાથે સ્થાનિક સમાજોને પ્રોત્સાહિત કરવા અને ભારતના ઉર્જા પરિવર્તનને આગળ ધપાવતી ભાગીદારી બનાવવા માટે આતુર છીએ.
આ પ્રકલ્પો માટેની બિડની તીવ્ર સ્પર્ધાત્મક બોલીમાં પ્રતિ kWh રૂ. 6.30 નો સૌથી ઓછો ટેરિફ ઓફર કરીને અદાણી પાવર સફળ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું હતું.. કંપની ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન એન્ડ ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પ્લાન્ટ સ્થાપશે. પાવર પ્લાન્ટ માટે કોલસાનું લિન્કેજ ભારત સરકારની શક્તિ નીતિ હેઠળ ફાળવવામાં આવ્યું છે.
આ પ્રકલ્પના બાંધકામના તબક્કા દરમિયાન લગભગ 20,000 થી 25,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે અને કામગીરીના તબક્કા દરમિયાન લગભગ 3,500 નિયમિત નોકરીઓની તકો ઉભી થશે તેવી અપેક્ષા છે, ડિસેમ્બર 2030 થી તબક્કાવાર રીતે કાર્યરત થનાર આ પ્રકલ્પ આસામના ઉર્જા માળખાને વધારવા સાથે રાજ્યની વધતી જતી ઔદ્યોગિક અને ઘરગથ્થુ જરૂરિયાતોને વિશ્વસનીય અને કાર્યક્ષમ વીજળી પૂરી પાડશે. પર્યાવરણીય દેખરેખમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે રચાયેલ આ સુવિધા ઉત્સર્જન ઘટાડવા અને કાર્યક્ષમ કાર્યક્ષમતાને મહત્તમ બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
APL ને આસામ વીજળી નિયમનકારી આયોગ તરફથી જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત થઈ છે અને APDCL સાથેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) યોગ્ય સમયે અમલી બનાવવાની અપેક્ષા છે.
દેશની વધતી જતી બેઝ લોડ માંગને સુરક્ષિત કરવા માટે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચ કાર્યક્રમનો અદાણી પાવર અમલ કરી રહી છે. તેની વર્તમાન સંચાલન ક્ષમતા 12 થર્મલ પાવર પ્લાન્ટ અને એક સોલાર પ્લાન્ટમાંથી 18.15 GW છે અને તે 2031-32 સુધીમાં 42 GW ની કુલ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે.
આ પ્રકલ્પ ઊર્જા સંગ્રહ, ગ્રીડ સ્થિરતા અને અતિ વ્યસ્ત સમયમાં વીજળીની માંગનું સંચાલન કરવા માટે અત્યાધુનિક ઉપાયો રજૂ કરી વીજળીનો ટકાઉ અને સ્થિતિસ્થાપક પુરવઠો સુનિશ્ચિત કરશે. તે નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોને એકીકૃત કરવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે આસામના હરિયાળા ભવિષ્ય તરફના પ્રયાણને બળ આપશે.



