AM/NS ઇન્ડિયાએ મહારાષ્ટ્રમાં ખોપોલી ખાતે પ્રથમ સ્ક્રેપ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરી

AM/NS ઇન્ડિયાએ મહારાષ્ટ્રમાં ખોપોલી ખાતે પ્રથમ સ્ક્રેપ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરી
મહારાષ્ટ્રમાં ખોપોલી યુનિટ, ₹350 કરોડના રોકાણ પ્રોગ્રામ હેઠળ ચાર રાષ્ટ્રીય સ્ક્રેપ પ્રોસેસિંગ યુનિટમાંથી પ્રથમ યુનિટ છે,
જે વધુ ટકાઉ સ્ટીલના નિર્માણ માટે સ્થાનિક સ્ક્રેપ ઉપલબ્ધતામાં સુધારો કરશે
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઇન્ડિયા) એ મહારાષ્ટ્રમાં ખોપોલી ઉત્પાદન સ્થળ ખાતે તેની પ્રથમ સ્ક્રેપ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરી છે, જેની વાર્ષિક ક્ષમતા 120 કિલો ટન પ્રતિ વર્ષ (KTPA) છે. ઉલ્લેખનીય છે કે, ખોપોલી યુનિટ AM/NS ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિકસાવવામાં આવી રહેલા ચાર સ્ક્રેપ પ્રોસેસિંગ યુનિટમાંથી પ્રથમ યુનિટ છે. જે તેના સ્ટીલ ઉત્પાદન માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ક્રેપની વધતી જતી માંગને પહોંચી વળવા અને સ્થાનિક સ્ક્રેપ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ₹350 કરોડના રોકાણ પ્રોગ્રામના ભાગરૂપે વિકસાવવામાં આવી રહ્યું છે.
ભારતની સ્ક્રેપ સપ્લાય ચેઇન હાલમાં ખૂબ જ વિભાજીત છે. જેમાં ઉપયોગી મટિરિયલ, વાસ્તવિક વપરાશ સ્થળ સુધી પહોંચતા પહેલા સ્થાનિક સ્ક્રેપ કલેક્ટર્સથી લઈને સ્ક્રેપયાર્ડ્સ સુધી અનેક મધ્યસ્થીઓમાંથી પસાર થાય છે. આ જટિલ પ્રક્રિયા ખર્ચમાં વધારો કરે છે અને મટિરિયલની ગુણવત્તા પણ ઘટાડે છે. પોતાની જ ઉત્પાદન સુવિધાઓ પર સ્ક્રેપની પ્રક્રિયા કરીને તેમજ સ્ક્રેપ ઉદ્યોગને ઔપચારિક બનાવીને, AM/NS ઇન્ડિયા રૂપાંતરણ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની સાથે મટિરિયલની ગુણવત્તા અને ઉપજમાં વધારો કરી રહ્યું છે.
ખોપોલી યુનિટનું કમિશનિંગ અને મોટા સ્તર પર રોલઆઉટ, સ્ક્રેપને મોટા પાયે પ્રોસેસ કરવા માટે એક સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ થયું છે. જે ઓટોમોટિવ ઉત્પાદકો અને શિપ ફ્લીટ ઓપરેટરો સહિત AM/NS ઈન્ડિયાના વિશાળ ગ્રાહક આધારમાં, રિસાયકલ સ્ટીલ્સની વધતી માંગને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે.
વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી (2021) અને એપ્રિલ 2025 માં અમલમાં આવનારા એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબીલીટી (EPR-વિસ્તૃત ઉત્પાદક જવાબદારી) ધોરણો તેમજ ગ્રીન સ્ટીલ ટેકેસોનોમી જેવા સરકારી પગલાંઓથી પણ સ્થાનિક, ઘરેલું સ્ક્રેપની ઉપલબ્ધતાને પણ પ્રોત્સાહન મળવાની આશા છે. વળી, AM/NS ઈન્ડિયાની વધતી જતી સ્ક્રેપ પ્રોસેસિંગ ક્ષમતા, સ્થાનિક સ્ક્રેપ ઉપલબ્ધતા અને સપ્લાય ચેઇન કાર્યક્ષમતાને મજબૂત બનાવવાના રાષ્ટ્રીય પ્રયાસોને પણ ટેકો આપશે.
AM/NS ઇન્ડિયા ખાતે ડાઉનસ્ટ્રીમ ઓપરેશન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અક્ષયા ગુજરાલે જણાવ્યું હતું કે, “ભારત, વર્ષ 2047 સુધીમાં સ્ટીલ ઉત્પાદનમાં સ્ક્રેપ મેટલનો હિસ્સો 50% સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. આ મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ વિકસિત કરવામાં સ્ટીલ ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે. અમારું ખોપોલી યુનિટ તેમજ આ વર્ષે શરૂ થનારા અન્ય યુનિટ, સ્થાનિક સ્ક્રેપ ઉદ્યોગના ઔપચારિક રૂપને ટેકો આપશે. આ સાથે જ તે રિસાયકલ સ્ટીલ્સ માટે ગ્રાહકોની વધતી માંગ પૂરી કરશે અને પર્યાવરણ જાળવણી સાથે ભારતના સસ્ટેનિબિલિટી લક્ષ્યોમાં પણ યોગદાન આપશે.”
વર્ષ 2024 માં તેના પ્રારંભિક ક્લાઇમેટ એક્શન રિપોર્ટમાં નિર્ધારિત ડીકાર્બોનાઇઝેશન રોડમેપના ભાગરૂપે, AM/NS ઇન્ડિયા, સ્ટીલ નિર્માણ ક્ષમતામાં સ્ક્રેપ મિશ્રણ, જે આજે 3-5% છે તેને વર્ષ 2030 સુધીમાં 10% થી વધુ વધારવાનું લક્ષ્ય રાખે છે. કંપની તેના ઉત્પાદનમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ક્રેપને વ્યૂહાત્મક રીતે એકીકૃત કરી રહી છે. તેની હાલની સ્ટીલ નિર્માણ ક્ષમતાના 65% ગેસ-આધારિત ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (DRI) – ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF) રૂટ પર કાર્યરત છે, જે પ્રક્રિયા ખાસ કરીને પ્રોસેસ્ડ સ્ક્રેપના ઉપયોગ માટે અનુકૂળ છે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) વિશે માહિતી: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા), વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક સંસ્થાઓ, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ભારતમાં અગ્રણી ઇન્ટીગ્રેટેડ ફ્લેટ કાર્બન સ્ટીલ ઉત્પાદક, આ કંપની અત્યાધુનિક ડાઉનસ્ટ્રીમ સુવિધાઓ સાથે વાર્ષિક 9 મિલિયન ટન ક્રૂડ સ્ટીલ ક્ષમતા ધરાવે છે. તે વેલ્યુ-એડેડ સ્ટીલ સહિત ફ્લેટ સ્ટીલ ઉત્પાદનોની સંપૂર્ણ ડાયવર્સિફાઇડ રેન્જનું ઉત્પાદન કરે છે અને તેની પેલેટ ક્ષમતા 20 મિલિયન ટન છે.