કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસની ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ તરીકે નિયુક્તિ

કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસની ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ તરીકે નિયુક્તિ
IAFSના પ્રમુખ પ્રો. યાન્કો કોલેવે NFSUની મુલાકાત લીધી, વિશિષ્ટ વક્તવ્ય આપ્યું
ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સ (IAFS)ના પ્રમુખ પ્રો.યાન્કો કોલેવ, M.D., Ph.D. દ્વારા એક વિશિષ્ટ વક્તવ્ય નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે તા.14 નવેમ્બર, 2025ના રોજ આપવામાં આવ્યું હતું. આ વક્તવ્ય દરમિયાન તેમણે ‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના સ્થાપક કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસને IAFSના ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ (વૈશ્વિક ફોરેન્સિક રાજદૂત) તરીકે નિયુક્ત કર્યાની વિધિવત્ ઘોષણા કરી હતી.
પ્રો. કોલેવે પોતાના સંબોધનમાં ફોરેન્સિક વિજ્ઞાનને આગળ વધારવામાં ડૉ. જે.એમ. વ્યાસના અનુકરણીય નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તા.25થી 30, મે-2026 દરમિયાન સોફિયા, બલ્ગેરિયામાં યોજાનારી આગામી IAFS-2026 કોન્ફરન્સ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં ડૉ. વ્યાસની નિયુક્તિની જાહેરાત પણ કરી હતી.
પ્રો. કોલેવે જણાવ્યું હતું કે NFSU કે જે “વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિ યુનિવર્સિટી” છે. તેમણે NFSUના શૈક્ષણિક અને સંશોધન યોગદાનની વૈશ્વિક સુસંગતતા પર ભાર મૂક્યો હતો. પ્રો. કોલેવે આજના ગુનાહિત તપાસ ક્ષેત્રે રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યનો માર્ગ અત્યાધુનિક સાધનો અને ઉભરતી તકનીકોને અપનાવવામાં રહેલો છે, જે ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ વક્તવ્ય દરમિયાન એરકોમોડોર કેદાર ઠાકર, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-યુગાન્ડા; પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; NFSUના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.



