બોમ્બે હાઈકોર્ટે અદાણી પાવર ડીલ સામેની અરજી ફગાવી, ફરિયાદીને ફટકાર્યો ‘દંડ’

બોમ્બે હાઈકોર્ટે અદાણી પાવર ડીલ સામેની અરજી ફગાવી, ફરિયાદીને ફટકાર્યો ‘દંડ’
‘ભ્રષ્ટાચારના આરોપો અપ્રમાણિત અને અવિચારી કરાયા’
અદાણી જૂથ માટે બોમ્બે હાઈકોર્ટ તરફથી સારા સમાચાર આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે અદાણી પાવર પર રિન્યૂએબલ અને થર્મલ પાવર વીજળીના સપ્લાય કરવા લગાવાયેલા આરોપોને ફગાવી દીધા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને પડકારતી અરજી ફગાવી દેતા હાઈકોર્ટે નોંધ્યું હતું કે અરજી “અપ્રમાણિત અને અવિચારી” કરવામાં આવી હતી.
અરજદાર શ્રીરાજ નાગેશ્વર એપુરવારે આરોપ લગાવ્યો હતો કે 6,600 મેગાવોટ રિન્યુએબલ અને થર્મલ પાવરના સપ્લાય માટે અદાણી ગ્રુપને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટમાં વાજબી દરે વીજ પુરવઠો મેળવવાના અરજદારના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે અસ્પષ્ટ અરજી માટે અરજદાર એપુરવાર પર 50,000 રૂપિયાનો ખર્ચ લાદ્યો હતો.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર અદાણી જૂથને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર કરવાનો પણ આરોપ મૂક્યો હતો. જો કે, બેન્ચે દલીલો સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, “અમારા મતે, આવી અપ્રમાણિત અને અવિચારી દલીલો ધરાવતી આવી અરજીઓ દાખલ કરવાથી ક્યારેક સારા કારણો પણ ગુમાવવાનું જોખમ રહેલું છે.”
હાઈકોર્ટે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી (શિંદે) કોઈપણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવા અરજીમાં કોઈ સહાયક પુરાવાઓ નથી. પિટિશનમાં “અસ્પષ્ટ અને બિનસત્તાવાર” દાવાઓ કરવામાં આવ્યા હતા. કોર્ટે વધારામાં ઉમેર્યુ હતુ કે અરજદાર કોન્ટ્રાક્ટની ટેન્ડર પ્રક્રિયામાં સહભાગી ન હતો.
હાઇકોર્ટે અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે, “આ અરજીમાં કોઇપણ આધારભૂત અને સહાયક સામગ્રી જણાતી નથી અને તેમાં એકદમ અસ્પષ્ટ આરોપો માત્ર છે.” કોર્ટે અરજદારને 50,000 રૂપિયાનો ખર્ચ મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
અમદાવાદ સ્થિત અદાણી પાવર લિમિટેડ (APL) ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને સતત વેગ આપી રહી છે. કંપની 4,800 મેગાવોટની વધારાની પાવર જનરેશન ક્ષમતા ઉમેરવા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી રહી છે.