સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ૭૭મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ૭૭મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી
વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે
આદિવાસી સમુદાય-આદિમ જૂથોને રાજયની વિકાસધારામાં જોડવામાં જનજાતિય ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત નીવડ્યા : જિલ્લા કલેકટર
જિલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું: વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા
માંડવી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરના હસ્તે માંડવી પ્રાંત અધિકારીને અર્પણ

રાષ્ટ્રની આન, બાન અને શાન સમા -૨૬મી જાન્યુ. ૭૭મા પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી તાલુકા મથકે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ પરેડનું નિરીક્ષણ અને ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશભક્તિના ઉમંગભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. માંડવી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના હસ્તે માંડવી પ્રાંત અધિકારીશ્રીને એનાયત કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરૂષ અને દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા નામી-અનામી વીરલાઓએ રાષ્ટ્રની આઝાદી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાંખ્યો હતો. પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાનું યોગદાન અત્યંત મહત્વનું અને ગૌરવશાળી રહ્યું છે. ખાસ કરીને ખેડૂત સત્યાગ્રહો અને આદિવાસી જાગૃતિના કિસ્સામાં માંડવીએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી. નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાની ૭,૦૯,૨૪૧ વિદ્યાર્થિનીઓના બેંક ખાતામાં રૂ. ૪૨.૫૫ કરોડ જમા કર્યા છે. એ જ પ્રમાણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં દીકરીઓનો અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાની ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થીનીઓના ખાતામાં રૂ. ૧૪.૫૮ કરોડ જમા કર્યા છે.
આદિજાતિ વિસ્તારમાં યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ૪૦૮ ગામોનો સમાવેશ કરી ગ્રામ્ય કક્ષાએ આદિ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. સુરત જિલ્લાના આદિવાસી સમુદાય-આદિમ જૂથોને રાજયની વિકાસધારામાં જોડવામાં જનજાતિય ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત નીવડયા છે. સુરત જિલ્લાના મહુવા, માંડવી, ઉમરપાડા, માંગરોળ સહિતના આદિવાસી વિસ્તારોના હળપતિ અને આદિમજુથ સમાજના નાગરિકો પાસે ઓળખના પુરાવા નહોતા, તેમના માટે વિશેષ ઝુંબેશ ચલાવીને ૧૫,૦૦૦થી વધુ લોકોને ઓળખના પુરાવા આપ્યા છે. સાથો સાથ આવાસના લાભો આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત સુરત શહેર-જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધી સુરતમા કુલ ૨૧,૭૮,૮૭૪ લોકોને તેમજ કુલ ૨,૦૩,૫૯૧ જેટલા ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. આ યોજનામાં સુરતના કુલ ૧,૧૫,૯૩૨ લાભાર્થીઓએ PMJAY અંતર્ગતની પ્રાઇવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવારનો લાભ મેળવ્યો છે એમ શ્રી કલેક્ટરે જણાવ્યું હતું. આ અવસરે ગુજરાતની શાંતિ અને સુરક્ષા માટે સદાય તત્પર રહેનાર નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, કર્મીઓ, રમતવીરો, ખેડૂતો, અને વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવાઓ આપનાર ૩૯ કર્મયોગીઓની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યાં હતા. આ વેળાએ પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડને સૌએ નિહાળી હતી. શાળાઓના બાળકોની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓઓએ સૌના મન મોહી લીધા હતા. વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઇડ, મહિલા વગેરે પ્લાટુનની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ, પ્રાયોજના વહીવટદારશ્રી સુનિલ, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી કૌશિક જાદવ, મામલતદાર, તા.વિકાસ અધિકારી, જિ. પં. અને તા.પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



