શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદ હસ્તે રાજેશકુમાર ધામેલિયાનું સન્માન

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદ હસ્તે રાજેશકુમાર ધામેલિયાનું સન્માન
માતૃભાષા સંવર્ધન, સાહિત્ય સર્જન અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા.
મહારાણા પ્રતાપ પ્રાથમિક શા.ક્ર. 272 નાના વરાછામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર રાજેશકુમાર ધામેલિયાનું શ્રી સ્વામિનારાયણ મંદિર – સરથાણા, સુરતના 17મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદ હસ્તે પ્રસન્ન્તાની પાઘ, શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
રાજેશકુમાર ધામેલિયાએ શ્રી સ્વામિનારાયણ છાત્રાલય, મણિનગર – અમદાવાદમાં વિદ્યાભ્યાસ કર્યો હતો. અહીં શિક્ષણની સાથે સંસ્કારનું ભાથું પ્રાપ્ત થયું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે ‘સાહિત્ય સુધાકર ઍવૉર્ડ’ પણ એમને પ્રાપ્ત થયો હતો. તેઓ શિક્ષણકાર્યની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ સુરતના જાણીતા અખબાર ‘ધબકાર’માં છેલ્લાં અગિયાર વર્ષથી ‘શબ્દસરિતા’ અને રાજકોટથી પ્રકાશિત ‘અગ્ર ગુજરાત’માં બે વર્ષથી ‘શબ્દસાધના’ કૉલમ લખે છે. ‘ધર્મનંદન શબ્દતીર્થ’નું છેલ્લાં તેર વર્ષથી સંપાદન કરે છે. અખબારો અને સામયિકોમાં એમના ૮૦૦થી વધારે લેખો પ્રસિદ્ધ થયા છે, વિવિધ ચૅનલોમાં ‘માતૃભાષા’ અંગેના એમના કાર્યક્રમો પ્રસારિત થયા છે. એમનાં ‘સાચી જોડણી લાગે વહાલી’, ‘ભાષા સજ્જતા’, ‘બાળકેળવણી’, ‘ગૌરવવંતાં પથદર્શકો’, ‘ગૌરવશાળી ગુજરાતીઓ’ વગેરે પુસ્તકો પ્રકાશિત થયાં છે; જેને ૩,૫૦,૦૦૦થી વધારે લોકોએ વસાવ્યાં છે.
શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગુજરાત ઉપરાંત દીવ, દમણ, દાદરાનગર હવેલી તેમજ મુંબઈની ગુજરાતી-અંગ્રેજી માધ્યમની ૮૫૦ જેટલી સંસ્થાઓમાં વિવિધ સેમિનાર યોજાયા છે. ‘પારિવારિક સ્નેહમિલન’, ‘વાલી સંમેલન’ વગેરેમાં એમનાં વક્તવ્યો યોજાયા છે. ન્યૂયોર્ક-અમેરિકા સ્થિત (મૂળ ગુજરાતી) વિદ્યાર્થીઓ માટે પણ વેબિનાર યોજ્યા છે. આમ, એમનું કાર્ય માત્ર શાળા, જિલ્લા કે રાજ્ય પૂરતું સીમિત ન રહેતા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચ્યું છે. આમ, વિદ્યાર્થીઓનાં સર્વાંગી ઘડતર અને શાળાના વિકાસની અનેકવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓની સાથે માતૃભાષા સંવર્ધનનું અનોખું કાર્ય કરે છે. તેઓ શિક્ષક, લેખક, સંપાદક, વક્તા એમ બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમનાં અનેકવિધ કાર્યોની નોંધ લઈને અનેક સંસ્થાઓએ એમને બિરદાવ્યા છે. સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક”, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે “રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત ‘ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘માતૃભાષાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘વિશિષ્ટ સેવા ઍવૉર્ડ’, ‘સુરત જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘શિક્ષક સજ્જતા ઍવૉર્ડ’, ‘અચલા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘સેવા સન્માન ઍવૉર્ડ’, ’ગુરુકુલ જ્ઞાનજ્યોતિ ઍવૉર્ડ’, ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’, ‘સાહિત્યસાધના પારિતોષિક’ વગેરે ઍવૉર્ડથી વિવિધ સંસ્થાઓએ એમને સન્માનિત કર્યા છે.



