શિક્ષા

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે વનિતા વિશ્રામ સ્કૂલ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ સ્ટ્રેસ-ફ્રી થઈ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી

કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય અથવા મોડું થવાની ભીતિ હોય તો ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસની મદદ લઈ શકાશે

આજથી રાજ્યભરમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ૧ લાખ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. પરીક્ષાર્થીઓ તણાવ વિના પ્રફુલ્લિત બની બોર્ડની પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ફૂલો આપી મનોબળ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષાને શિક્ષણના ઉત્સવ સમાન ગણી પરિશ્રમ પર વિશ્વાસ રાખી ભયમુક્ત માહોલમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક બોજ કે સ્ટ્રેસ વગર પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કાઉન્સેલિંગ સેશન અને વર્કશોપ્સ યોજવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને ધ્યાને લેતા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની તબિયત બગડવાના કિસ્સાઓમાં આરોગ્ય વિભાગની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને વિઘ્નરહિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું છે.  પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને બ્રિજના કામોને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવી ૪૦ જેટલી જગ્યાઓ આઈડેન્ટીફાઈ કરી છે. જ્યાં વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સુરત પોલીસની ટૂ-વ્હીલર ટ્રાફિક પોલીસ અને ૧૧૨ હેલ્પલાઈન જનરક્ષક ગાડીઓ શહેરમાં ફરતી રહેશે. કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય કે પરીક્ષા કેન્દ્રોમાં પહોંચવામાં મોડું થતું હોય તો પોલીસને જાણ કરવાથી પોલીસ વાન પરીક્ષાર્થીને જે-તે સેન્ટર ઉપર મૂકી જશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય અથવા મોડું થવાની ભીતિ હોય, તો પોલીસની ૧૧૨ હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button