પીએમશ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત સમારોહ’ અને ‘રંગોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પીએમશ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત સમારોહ’ અને ‘રંગોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
પીએમશ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨, નાના વરાછામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓના ‘દીક્ષાંત સમારોહ’ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ‘રંગોત્સવ’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ દિવસ સંભારણું બની રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધોરણ ૮ના વર્ગ શિક્ષકો શ્રી હર્ષાબેન, શ્રી હરસુખભાઈ, શ્રી નિલેશભાઈ અને શ્રી અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શ્રી હરસુખભાઈએ ઉપસ્થિત સૌનું શબ્દપુષ્પથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. હર્ષાબેન દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. અલ્પેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓ હવે પછી કયા ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે વિસ્તૃત ‘કારકિર્દી માર્ગદર્શન’ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ ધામેલિયા અને આચાર્યશ્રી મિતેશભાઈએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત અને મહેનતનું મહત્ત્વ સમજાવી નવી સફર માટે પ્રોત્સાહિત કર્યા હતા. ‘રંગોત્સવ’ અંતર્ગત શાળાના જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો પર આકર્ષક કૃતિ રજૂ કરી હતી. નૃત્ય દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કલા અને અભિવ્યક્તિ વ્યક્ત કરી સૌના મન મોહી લીધા હતા. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહીં તો, ફૂલની પાંખડી સ્વરૂપે શાળાના વિદ્યાર્થીઓ માટે 3D પ્રિન્ટર માટેનું દાન પણ અર્પણ કર્યું હતું. શાળાના તમામ શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.નિલેશભાઈએ સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થનાર તમામનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ સંપન્ન કરી હતી.



