ગુજરાત
મધ્યમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો ઉપલબ્ધ કરાવવા તરફ DGVCLના મહત્વપૂર્ણ પ્રયત્નો

- મધ્યમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો ઉપલબ્ધ કરાવવા તરફ DGVCLના મહત્વપૂર્ણ પ્રયત્નો
- ટેકનોલોજી હેઠળ જૂના ખુલ્લા એલ્યુમિનિયમ વાયરોને MVCC એટલે કે ઇન્સ્યુલેટેડ વાયરો દ્વારા બદલવામાં આવે છેઃ
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દ.ગુજરાત વીજ કંપની દ્વારા ૫૩૦૨ કિલોમીટર લાઈનોમાં એમ.વી.સી.સી. વાયરો લગાડવામાં આવ્યા છે - આ અભિયાનના પરિણામે કાંઠા, જંગલ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાનું સાતત્ય જાળવવામાં સફળતા મળી છે અને વીજ વિક્ષેપોમાં નોંધપાત્ર ઘટાડો થયો
રાજય સરકારના વાયર ફ્રી સિટી અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઓવરહેડ લાઈનો દૂર કરીને અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાનું કાર્ય પ્રગતિમાં છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાની પ્રક્રિયા આર્થિક તથા તાંત્રિક રીતે શહેરી વિસ્તારની સરખામણીએ એટલી સરળ અને વ્યવહારુ ન હોય, ગ્રામ્ય, કાંઠા અને જંગલ વિસ્તારોમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુસર GUVNLના GPRD સેલ દ્વારા MVCC (Medium Voltage Covered Conductor) ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.
આ ટેકનોલોજી હેઠળ જુના ખુલ્લા એલ્યુમિનિયમ વાયરોને MVCC એટલે કે ઇન્સ્યુલેટેડ વાયરો દ્વારા બદલવામાં આવે છે. MVCC કંડકટરો પર મજબૂત ઇન્સ્યુલેશન કવરિંગ હોય છે, જેના કારણે વીજ વિક્ષેપ અને અકસ્માતોની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઈનો ઘણીવાર વૃક્ષોની નજીકથી પસાર થતી હોવાથી ડાળીઓના ઘર્ષણથી સ્પાર્કિંગ થવાની શક્યતા રહેતી હોય છે અને વીજ પુરવઠો ખોરવાતો હોય છે. આ ઉપરાંત આગ લાગવાના બનાવો બનતા હોય છે. કાંઠા વિસ્તારોમાં તીવ્ર પવનના કારણે બે વાયરો ભેગા થતાં સ્પાર્કિંગ થવાની શક્યતા રહેતી હોય છે. વધુમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં રહેલી ખારાશ તથા કેમિકલ/ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રભાવને કારણે ખુલ્લા એલ્યુમિનિયમ વાયરોમાં કાટ લાગવાની સમસ્યા પણ ઉભી થતી હોય છે.
MVCC વાયરો ઇન્સ્યુલેટેડ હોવાને કારણે વૃક્ષોની ડાળીઓ અથવા અન્ય મેટલ વસ્તુ અડવાથી વીજ ફોલ્ટ થવાની શક્યતા રહેતી નથી. તેમજ પવનના કારણે બે વાયરો ભેગા થતા હોવા છતાં સ્પાર્કિંગ થતું નથી. ઇન્સ્યુલેશનના કારણે MVCC વાયરોમાં કાટ લાગવાની શક્યતાઓ પણ રહેતી નથી. પરિણામે વીજ અકસ્માતો ટાળી શકાય છે જેના પરિણામે વીજ વિક્ષેપોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં ૪૩ કિલોમીટર, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૬૮૧ કિલોમીટર અને વર્ષ ૨૦૨૫-૨૬ (જાન્યુઆરી-૨૦૨૬ સુધી)માં ૨૫૭૮ કિલોમીટરના જુની લાઈનોમાં એમ.વી.સી.સી. વાયરો લગાડવામાં આવ્યા છે.
આ અભિયાનના પરિણામે કાંઠા, જંગલ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની સાતત્યતા જાળવવામાં સફળતા મળી છે અને વીજ વિક્ષેપોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના તમામ ગ્રામ્ય, જંગલ તેમજ કાંઠા વિસ્તારોના રહેણાંક હેતુના વીજ ફીડરોને MVCC ટેકનોલોજી હેઠળ આવરી લેવાનું DGVCLનું લક્ષ્ય છે. વીજ ગ્રાહકોને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) સતત પ્રતિબદ્ધ રહી કાર્ય કરી રહી છે.



