કળાને કૌશલ્યમાં ફેરવી અનાયા સ્વસહાય જૂથ થકી રોજગારીન નવી તકો મેળવતા સુરતના દિપાલીબેન પ્રજાપતિ

કળાને કૌશલ્યમાં ફેરવી અનાયા સ્વસહાય જૂથ થકી રોજગારીન નવી તકો મેળવતા સુરતના દિપાલીબેન પ્રજાપતિ
‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકાર પ્રેરિત પ્રદર્શન સહ વેચાણ મેળા મારા જેવી અનેક મહિલાઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે: દિપાલીબેન
કીચેઈન, વોલ હેંગિંગ, પર્સ, જ્વેલરી, ફેબ્રિક જ્વેલરી, મેક્રમી મિરર, મેક્રમી બેલ અને શ્રગ જેવી વિવિધ મેક્રમી આર્ટની હેન્ડમેડ વસ્તુઓનું વેચાણ કરે છે દિપાલીબેન
સ્વઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓથી સશક્ત અને સક્ષમ બની રહ્યા છે સ્વસહાય જૂથો
સુરતના અડાજણ વિસ્તારમાં ચાલતા સ્વસહાય જૂથ મેળામાં સ્ટોલ મળવાથી પોતાનાં કૌશલ્યનું પ્રદર્શન અને વેચાણ કરવાની તક મેળવતા દિપાલીબેન પ્રજાપતિ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. સુરતના અનાયા સ્વસહાય જૂથના દિપાલીબેન મેક્રમી આર્ટની પ્રોડક્ટ્સ બનાવી તેનું ઓનલાઈન અને મેળા મારફતે વેચાણ કરી રોજગારી મેળવે છે.
અનાયા સ્વસહાય જૂથ વિષે વાત કરતા દીપાલીબેને કહ્યું કે, મેં કોરોના સમયે જોબની સાથે સાથે ઓનલાઈન વિડીયો જોઈ જાતે જ મેક્રમી આર્ટ શીખવાનો શોખ પૂરો કર્યો અને પછી ઘરે નાની નાની વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી. છેલ્લા ૨ વર્ષથી આ પ્રોડક્ટસને ઓનલાઈન વેચી રહી છું. લોકોનો સારો રિસ્પોન્સ મળતા હું સ્વસહાય જૂથમાં જોડાઈ અને વેચાણની ખૂબ સરસ તકો મેળવી.
તેમણે કહ્યું કે, મેક્રમના વિશિષ્ટ દોરામાંથી બનતી વસ્તુઓ મેક્રમી આર્ટ કહેવાય છે. જેમાં હું રૂ.૨૦ થી રૂ.૫૦૦ સુધીની કીચેઈન, વોલ હેંગિંગ, પર્સ, જ્વેલરી, ફેબ્રિક જ્વેલરી, મેક્રમી મિરર, મેક્રમી બેલ અને શ્રગ જેવી વિવિધ હેન્ડમેડ વસ્તુઓનું વેચાણ કરું છું. સાથે જ તહેવારને અનુરૂપ રક્ષાબંધન માટે મેક્રમી રાખડી અને નવરાત્રી માટે સ્પેશ્યલ જ્વેલરી પણ બનાવી વેચું છું.
વધુમાં બહારના દેશોમાં અને સેલિબ્રિટી વચ્ચે ખૂબ ટ્રેન્ડિંગ એવી મેક્રમી આર્ટથી નોટીંગ જ્વેલરી પણ બનાવું છું. જે ગ્રાહકો વચ્ચે ખૂબ ડિમાન્ડીંગ છે. વજનમાં ખૂબ હળવી પણ દેખાવમાં આકર્ષક જ્વેલરી નવરાત્રીમાં ખેલૈયાઓ વચ્ચે પણ ફેવરીટ છે. સાથે જ હું આ દરેક વસ્તુઓ કસ્ટમાઈઝ પણ કરી આપું છું.
રાજ્ય સરકાર દ્વારા ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપતા પ્રદર્શન સહ વેચાણ મેળા મારા જેવી અનેક મહિલાઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળવાથી અમારા જેવા ગૃહ ઉદ્યોગો કે નાના ધંધાદારીઓને આવકના નવા સ્ત્રોત મળે છે એમ જણાવી તેમણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણની સાથે સ્વદેશી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણને વેગ આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, સ્વઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓથી સ્વસહાય જૂથો સશક્ત અને સક્ષમ બની રહ્યા છે.