ભગવાન રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવાએ ઓલપાડ તાલુકાના સરસ ગામે રામજી મંદિરની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

સુરત: સોમવાર: અયોધ્યામાં ભગવાનશ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે અયોધ્યામાં ભગવાન રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ઓલપાડ તાલુકાના સરસ ગામે જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવાએ રામજી મંદિરની સાફ સફાઈ કરી પૂજા અર્ચના કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સાથે સિધ્ધનાથ મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી હતી.
આ અવસરે કલેકટરશ્રીએ પ્રભુશ્રી રામની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરી હતી.
રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. ગત તા.૨ ઓક્ટોબર, ૨૦૨૩થી યોજાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ૬૯૪ ગામો સ્વચ્છ બન્યા છે. અને ધર્મસ્થાનોની સ્વચ્છતામાં તા.૧૪થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધીમાં ધાર્મિક સ્થળોની સ્વચ્છતા સંદર્ભે જિલ્લાના ૨૫૮ મંદિરોમાં મંત્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયને મંદિરોની સાફ-સફાઈ કરી હતી. પર્યાવરણ, પશુ-પક્ષીઓ તેમજ પૃથ્વી પરના તમામ જીવોના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ભારપૂર્વક અપીલ કરી હતી.