જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસરે કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી

જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસરે કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી
રાજ હોટલથી કામરેજ તરફ જતો બ્રિજનો રસ્તો સદંતર બંધ કરવામા આવ્યો છે: જિલ્લા પોલીસ વડા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં બ્રિજો, ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ જેવા પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસરે કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી. કીમ ચાર રસ્તા પાસે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ના પેકેજ-૬ ની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, અમદાવાદ થી મુંબઈ જતા નેશનલ હાઈવે નં.૪૮ ઉપર ખોલવડ પાસેના તાપી રિવર બ્રિજનું રીપેરીંગનુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી અમદાવાદ તરફથી સુરત, પલસાણા, સચીન, બારડોલી, તાપી, નવસારી, વલસાડ ધુલીયા અને મુંબઈ તરફ જતા વાહનોને નાનીનરોલીથી નવા બનેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી વાહનોને પસાર થવા ડાયવર્ઝન આપવામા આવ્યું છે. આ ઉપરાંત, સુરત શહેર તરફ જતા વાહનો કીમ ચાર રસ્તાથી તથા રાજ હોટલની બાજુમાથી હજીરા તરફ જતા રસ્તેથી પણ પસાર થઈ શકશે, રાજ હોટલથી કામરેજ તરફ જતો બ્રિજનો રસ્તો સદંતર બંધ કરવામા આવ્યો છે, જેથી પોલીસને ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા જાહેર જનતા અને વાહન ચાલકોને અનુરોધ કર્યો હતો.
NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય કુમાર યાદવ સહિત NHAI ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.