કતારગામ રોડ પર ડમ્પરે મોપેડને ઉડાવી દેતા દિવ્યાંગ રત્નકલાકાર મહિલાનું મોત

કતારગામ રોડ પર ડમ્પરે મોપેડને ઉડાવી દેતા દિવ્યાંગ રત્નકલાકાર મહિલાનું મોત
સુરત, તા ૨૭
સુરતના કતારગામ વિસ્તારમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ને પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો કર્યો હતો.
કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં ૪૫ વર્ષીય મનિષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા. નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. મૃતક મહિલા મનિષાબેન બારોટ દિવ્યાંગ હતા. મનિષાબેન બારોટના પતિનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમને એક ૧૬ વર્ષની દીકરી છે. જેની હાલ ધોરણ ૧૦ની પરીક્ષા પૂર્ણ થઈ છે. મનિષાબેન રતકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે.
આજે સવારે મનિષાબેન મોપેડ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન કતારગામવિસ્તારમાં રપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. મોપેડ સવાર મનિષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતાં નીચે પટકાઈ ગયા હતા. ત્યાર બાદ તેમને કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો.