ભવિષ્યના સંકટો સામે આધ્યાત્મિક સુરક્ષા અનિવાર્ય: ડૉ. કાશીનાથ મિશ્રાનો સંદેશ

ભવિષ્યના સંકટો સામે આધ્યાત્મિક સુરક્ષા અનિવાર્ય: ડૉ. કાશીનાથ મિશ્રાનો સંદેશ
ગુજરાત : માનવજાતને ભવિષ્યના જોખમો પ્રત્યે સાવચેત કરતા આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા હાકલ અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાએ કરી હતી. તેમણે જણાવ્યું કે આગામી વર્ષ ૨૦૨૭-૨૮ દરમિયાન આવનારી બીમારીઓ અને કુદરતી આફતોથી બચવા માટે લોકોએ અત્યારથી જ ધાર્મિક માર્ગ અપનાવવો પડશે. મનુષ્યે પોતાનો સમય ટીવી કે મોબાઈલ જેવી બિનજરૂરી બાબતોમાં વેડફવાને બદલે સતકર્મ અને આધ્યાત્મિક જાગૃતિમાં વિતાવવો એ જ આ સમયની સૌથી મોટી માંગ છે.
પંડિતજીએ રક્ષણ માટેના વિશેષ સૂચનો આપતા ઉમેર્યું કે દરેક ઘરમાં શ્રીમદ ભાગવતનું નિયમિત પઠન થવું જોઈએ અને ભગવાન શ્રીકૃષ્ણના નામનું સતત ભજન કરવું જોઈએ. દિવસમાં ત્રણ સમયની પ્રાર્થના એટલે કે ત્રિકાળ સંધ્યાનું પાલન કરવાથી અને નિઃસ્વાર્થ ભક્તિ કરવાથી આ કઠિન સમયમાં પણ ચિર સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માનું અવતરણ માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ બ્રહ્માંડના તમામ જીવોના કલ્યાણ માટે હોય છે, તેથી પર્યાવરણ અને જીવમાત્ર પ્રત્યે દયાભાવ રાખવો પણ તેટલો જ જરૂરી છે.
પોતાના આગામી ધાર્મિક પ્રવાસ અંતર્ગત પંડિતજી વડોદરા અને દિલ્હીના કાર્યો પૂર્ણ કર્યા બાદ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાગવત કથા અને કલ્કિ કથાના માધ્યમથી સનાતન ધર્મનો પ્રચાર કરશે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે ૨૦૨૪માં જગન્નાથ ક્ષેત્રમાં યોજાયેલા સંત સંમેલનમાં ગુજરાતમાંથી સૌથી વધુ સંતો સહભાગી થયા હતા, જે સાબિત કરે છે કે ગુજરાત ભક્તિ અને જ્ઞાનનું કેન્દ્ર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વધુમાં વધુ લોકો સુધી ભવિષ્ય માલિકાનો સંદેશ પહોંચાડી તેમને આવનારા પરિવર્તનો માટે તૈયાર કરશે.



