ધુળેટી પર માનવતાનો રંગ: નમ્રતાગ્રીન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને અન્નસેવા

ધુળેટી પર માનવતાનો રંગ: નમ્રતાગ્રીન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને અન્નસેવા
દાતાશ્રી રમેશભાઈ વાડોલીયા અને જગદીશભાઈ જોશી સહિતના શ્રેષ્ઠીઓના સહયોગથી સેવાયજ્ઞ યોજાયો
જૂનાગઢ:સામાજિક ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રંગોના પર્વ ધુળેટી નિમિત્તે એક પ્રશંસનીય માનવતાવાદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના સ્થાપક અને હરિ સેવક મહેન્દ્ર આયલાણીના નેતૃત્વમાં શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ બાળકો માટે ‘બટુક ભોજન’ (અન્નસેવા) નું આયોજન કરી તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં સમાજના અગ્રણી દાતાશ્રી રમેશભાઈ વાડોલીયા તથા જગદીશભાઈ જોશી સહિતના દાતાઓએ ઉમદા સહયોગ આપી આ કાર્યને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તહેવારોના સમયે વંચિત બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો અને તેમને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો હતો. આ પ્રસંગે સંસ્થાના હરિ સેવક મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, નમ્રતાગ્રીન, હંમેશા સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ બાળકોના ઉત્થાન માટે કાર્યરત છે. તહેવારના દિવસે આ બાળકો વચ્ચે રહીને તેમની ખુશીમાં સહભાગી થવાનો સંસ્થા દ્વારા એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શહેરના વિવિધ સામાજિક સંગઠનો અને અગ્રણીઓએ નમ્રતાગ્રીન આ માનવતાવાદી કામગીરીને બિરદાવી હતી.



