વલસાડના નાનાપોંઢામાં વીજ કરંટ લાગતા ધામણ સાપને રેસ્ક્યુઅરે ‘CPR’ આપી નવું જીવતદાન આપતા વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા બિરદાવી

વલસાડના નાનાપોંઢામાં વીજ કરંટ લાગતા ધામણ સાપને રેસ્ક્યુઅરે ‘CPR’ આપી નવું જીવતદાન આપતા વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા બિરદાવી
મંત્રી મોઢવાડિયાએ ફોન કરી રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને અભિનંદન પાઠવ્યા સાથે અભિનંદન પત્ર પણ પાઠવ્યો
વન્ય જીવોની સુરક્ષા માટે અત્યાર સુધીમાં ૮ હજારથી વધુ સાપનું રેસ્કયુ કરનાર મુકેશભાઈનું નોંધપાત્ર યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશેઃ મંત્રી મોઢવાડિયા
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની કોઠાસૂઝથી નવું જીવન બક્ષ્યું હતું. જેની જાણ રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને થતા તેમણે રેસ્ક્યુઅરને ફોન કરી અભિનંદન આપી અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો.
આમધા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતના પુળા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ખેતરની બાજુમાંથી વીજ કંપનીની થ્રી-ફેઝ પાવર લાઈન પસાર થાય છે. આ દરમિયાન એક ‘ધામણ’ (Rat Snake) શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ પર ચડી ગયો હતો. થાંભલાની ટોચ પર પહોંચતા જ કરંટ લાગતા સાપ આશરે ૧૫ ફૂટ ઊંચાઈથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ (નવસારી-ધરમપુર-નાનાપોંઢા)ના ટીમ મેમ્બર અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું કે, સાપની હાલત ગંભીર છે અને શ્વાસ રુંધાઈ રહ્યા છે. મુકેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પોતાની દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરીને ‘CPR’ આપવાનું શરૂ કર્યું હતું. લગભગ ૨૫ થી ૩૦ મીનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શ્વાસ ફરી શરૂ થયા હતા. સફળ સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી.
આ અંગેની જાણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને થતા તેમણે ફોન દ્વારા અભિનંદન પાઠવતાની સાથે અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આપશ્રી દ્વારા અત્યાર સુધીમાં ૮ હજારથી વધુ સાપના રેસ્કયુ કરવામાં આવ્યા છે. માનવતા મહેકાવતી આ કામગીરી અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત સરકાર મકક્મ નિર્ધાર સાથે કામ કરી રહી છે ત્યારે વન્ય જીવોની સુરક્ષા માટે આપનું નોંધપાત્ર યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે.



