ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, સંગમમાં પૂજા અને મહાપ્રસાદ સેવા કરી
ગૌતમ અદાણી મહાકુંભમાં પહોંચ્યા, સંગમમાં પૂજા અને મહાપ્રસાદ સેવા કરી
અદાણી ગ્રુપ યુપીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચી પૂજા-અર્ચના તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ત્રિવેણી સંગમ ખાતે પૂજા કરવામાં આવી હતી. બાદમાં તેમણે ઇસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ ભાગ લીધો હતો. સંગમમાં પ્રાર્થના કર્યા બાદ તેમણે પ્રખ્યાત બડે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી.
મીડિયા સાથે વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે “પ્રયાગરાજ મહાકુંભમાં મને જે અનુભવ થયો તે અદ્ભુત હતો. દેશવાસીઓ વતી હું અહીંના કુશળ સંચાલન માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું. અહીંનું સંચાલન મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય છે. મારા માટે માતા ગંગાના આશીર્વાદથી મોટું કાંઈ જ નથી”. ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે “ઉત્તર પ્રદેશમાં અપાર તકો રહેલી છે અને અદાણી ગ્રુપ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે”. આ યાત્રામાં તેમની પત્ની પ્રિતી અદાણી પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
ગૌતમભાઈએ મહાકુંભના સેક્ટર નંબર 18માં આવેલા અદાણી ગ્રુપ અને ઇસ્કોનના સહયોગથી ચલાવવામાં આવી રહેલા રસોડાની પણ મુલાકાત લીધી, જ્યાં ભક્તો માટે દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે રસોડામાં પહોંચીને મહાપ્રસાદ તૈયાર કર્યો અને મહાપ્રસાદ વિતરણ સેવામાં ભાગ પણ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે ઇસ્કોનના સાધુ સંતો પણ હાજર હતા.
અદાણી ગ્રુપ અને ઇસ્કોન સાથે મળીને મહાકુંભમાં મહાપ્રસાદ સેવા કરી રહ્યા છે. જેમાં દરરોજ હજારો ભક્તોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ગીતાપ્રેસ દ્વારા પ્રકાશિત આરતી સંગ્રહના વિતરણનું કાર્ય પણ અદાણીના સૌજન્યથી કરવામાં આવી રહ્યું છે.