ગુજરાત

GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા

GreenX Talks 2026: અદાણી ગ્રુપે અસાધારણ પ્રતિભાઓને ‘એબિલિટી એવોર્ડ્સ’ થી નવાજ્યા
અમદાવાદ, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ (ACH) ખાતે ‘GreenX Talks’ ની પાંચમી આવૃત્તિનું સફળ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના એ સિદ્ધાંતને ફરી મજબૂત કરવામાં આવ્યો કે વિકાસ માત્ર આંકડાઓથી નહીં, પણ સમાજના દરેક વર્ગના સમાવેશથી માપવામાં આવે છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું કે, “Green એટલે જે શાશ્વત છે અને X એટલે માનવીય ભાવનાઓની અસાધારણ શક્તિ.” તેમણે ઉમેર્યું કે, “સત્તા હંગામી છે, પણ ચરિત્ર કાયમી છે,” અને દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ છે.
શ્રીમતી દીવા અદાણીએ આ વિચારધારાને સમર્થન આપતા ગૌરવપૂર્વક જણાવ્યું કે, GreenX એ કોઈ પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરવાનું માધ્યમ નથી, પરંતુ એ તો માનવીય સામર્થ્યના સન્માનનો મહોત્સવ છે. અહીં પ્રતિભાને તેની શારીરિક મર્યાદાઓના આધારે નહીં, પરંતુ તેની અસાધારણ યોગ્યતા અને મેરિટના આધારે આંકવામાં આવે છે.”

સંસ્થાકીય સમાવેશની ભાવના સાથે, કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુશ્રી એસ. વી. વિદ્યાવતી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ છે. તેમની ઉપસ્થિતિ દર્શાવે છે કે દેશભરમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અધિકાર-આધારિત માળખાને મજબૂત કરવા, સુવિધાઓ વધારવા અને આજીવિકા, કૌશલ્ય વિકાસ તેમજ સામાજિક સુરક્ષાના માર્ગો બનાવવા માટે ભારત સરકાર સતત પ્રતિબદ્ધ છે.
વિખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા કહ્યું કે, “જ્યારે જીવન તમને પડકાર આપે ત્યારે મર્યાદાઓ સામે નહીં, પણ મક્કમ ઈરાદાઓ સાથે લડવું જોઈએ.” બીજી તરફ, ‘બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ના સ્થાપક શ્રીકાંત બોલ્લાએ પોતાની વેધક શૈલીમાં કહ્યું, “જો તમે અશક્ય સપના નથી જોતા, તો તમે ઇતિહાસ રચી શકતા નથી. હું ગઈકાલની નબળાઈ નથી, હું આવતીકાલનું સામર્થ્ય છું.”
આ ભવ્ય સમારોહમાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ દેશના એવા રત્નોને ‘અદાણી એબિલિટી એવોર્ડ્સ’થી નવાજ્યા જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને શક્તિમાં ફેરવી છે. એવોર્ડ વિજેતાઓમાં પેરા-સ્પોર્ટ્સ લીડર અજય કુમાર રેડ્ડી, IAS આયુષી ડાબાસ, લેફ્ટનન્ટ કર્નલ સી. દ્વારકેશ, સામાજિક કાર્યકર માલવિકા અય્યર, કલાકાર શીલા શર્મા, ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલ્લા, સુધા ચંદ્રન, અલીના આલમ (મિટ્ટી કાફે) અને મીરા શેનોય(Youth4Jobs)નો સમાવેશ થાય છે. ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટ ટીમનું સન્માન એ સૌથી યાદગાર ક્ષણ બની રહી. પાંચમી આવૃત્તિ સુધી પહોંચતા GreenX Talks હવે માત્ર એક કાર્યક્રમ નથી, પણ એક વિચારધારા બની ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button