ગુજરાત

પુનિયાદ–ભેખડા કેનાલ માર્ગે ગેરકાયદેસર વૃક્ષછેદન, નકલી પત્રકારોની તોડપાણીથી ચકચાર

પુનિયાદ–ભેખડા કેનાલ માર્ગે ગેરકાયદેસર વૃક્ષછેદન, નકલી પત્રકારોની તોડપાણીથી ચકચાર

તારીખ 14 ડિસેમ્બર 2025ની રાત્રે શિનોર તાલુકાના પુનિયાદ–ભેખડા કેનાલ માર્ગ પર ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામાં પોતાને પત્રકાર ગણાવતાં કેટલાક તત્વોએ રોકડી (તોડપાણી) કરી હોવાની ચર્ચા સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. આ અંગે પુનિયાદ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર પંચક્યાસ કરી શિનોર મામલતદારને લેખિત જાણ કરવામાં આવી છે.

 

શિનોર તાલુકામાં લક્કડચોરો દ્વારા ગેરકાયદેસર વૃક્ષછેદનનો ધંધો જાણે કાયમી વ્યવસાય બની ગયો હોય તેમ જોવા મળે છે. ગ્રામ્ય સ્તરથી લઈને તાલુકા સ્તર સુધીનું જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી લાગણી લોકોમાં વ્યાપી છે. પુનિયાદ ગામ લક્કડચોરો માટે જાણે ખુલ્લું મેદાન બની ગયું હોય તેમ, આ બેનંબરી પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલા એક ગેરકાયદેસર વૃક્ષછેદનના કેસમાં પંચાયત દ્વારા માત્ર રૂપિયા 5,000નો દંડ કરવામાં આવ્યો હોવાની હકીકત પણ સામે આવી છે.

 

તાજી ઘટનામાં, 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ–ભેખડા કેનાલ માર્ગ પર ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા ત્યારે સાધલી તરફથી આવેલા અને પોતાને પત્રકાર ગણાવતાં ત્રણ-ચાર શખ્સોએ મોટી રકમની તોડ કરી સ્થળ પરથી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ પુનિયાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચક્યાસ કરી શિનોર મામલતદારને લેખિતમાં જાણ કરી હતી કે પુનિયાદ–ભેખડા કેનાલ માર્ગ પરથી ચાર દેશી બાવળના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ શાહિલહુસેન અને તેના સાગરિતો દ્વારા કરવામાં આવ્યું છે. આ મામલે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા હેઠળ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

 

પુનિયાદ ગામમાં દેશી-વિદેશી દારૂ, ગેરકાયદેસર વૃક્ષછેદન સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જવાબદાર તંત્ર ક્યારે જાગશે? તેમજ આ ઘટનામાં વેચાતા કાર્ડ બતાવી પોતાને પત્રકાર ગણાવી તોડપાણી કરનારા ઇસમો કોણ હતા, તે બહાર આવશે કે નહીં? વારંવાર નકલી પત્રકાર અને નકલી પોલીસના નામે ખંડણી કરતા તત્વો સામે કાર્યવાહી થશે કે કેમ, તે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાધલી ખાતે ખાઉધરી ગલીમાં એક નોનવેજ લારી પર કહેવાતા પત્રકાર દ્વારા રૂપિયા 5,000ની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટનাও સામે આવી છે. આ તમામ બાબતોને લઈ શિનોર પોલીસ બિનઅધિકૃત પત્રકારો તથા નકલી પોલીસ સામે શું કાર્યવાહી કરે છે, તે પણ તપાસનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button