ક્રાઇમ

ફેસબુક હનીટ્રેપથી 7 લાખની ઉઘરાણી કેસમાં શિનોર પોલીસે પિતા-પુત્ર સહિત વધુ બે આરોપી ઝડપ્યા

ફેસબુક હનીટ્રેપથી 7 લાખની ઉઘરાણી કેસમાં શિનોર પોલીસે પિતા-પુત્ર સહિત વધુ બે આરોપી ઝડપ્યા

શિનોર પોલીસ સ્ટેશને તા. 9 ડિસેમ્બરે નોંધાયેલી ફેસબુક હનીટ્રેપ અને નકલી પોલીસ બની ડ્રગ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 7 લાખ પડાવવાના ગંભીર ગુનામાં પોલીસે વધુ બે આરોપી પિતા–પુત્રને ઝડપી લીધા છે.

 

ફરિયાદ મુજબ વડોદરાના નિવૃત્ત કર્મચારી કમલેશ દવે (ઉંમર 68)ને પિંકી પટેલ નામની યુવતીએ ફેસબુક પર મિત્રતા કરી વાતોમાં ફોસલાવ્યા હતા. માલસર દર્શન કરીને પરત ફરતી વેળાએ શિનોર પાસે ગરનાળા નજીક પૂર્વનિયોજિત રીતે સફેદ કારમાં આવેલા ચાર ઈસમોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી યુવતી પાંચ ડ્રગ કેસમાં આરોપી હોવાનું અને દવે તેના સાથીદાર હોવાનું કહી તેમને કિડનેપ કર્યા હતા. ડ્રગ કેસમાંથી બચાવવા રૂ. 9 લાખની માંગ કરી અંતે પતાવટરૂપે રૂ. 7 લાખ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

 

આ ગુનામાં અગાઉ હાર્દિક કનૈયાલાલ શેઠ તથા કેતન ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી (નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર)ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જીતેન્દ્ર ભોગીલાલ રાવલ અને તેના પુત્ર ધ્રુવ જીતેન્દ્ર રાવલ (રહેવાસી કાંકરોલ, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)ને પણ ઝડપી લીધા છે.

 

વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અંકિતા યજ્ઞેશ રાવલ, અંજનાબેન ઉર્ફે પિંકી પટેલ, રાજેશ પટેલ તથા મહેશભાઈ (વલસાડ) સહિત કેટલાક આરોપીઓ હજુ પકડવાના બાકી છે. આ દરમિયાન એક મહિલા આરોપીએ આગોતરા જામીન માગ્યા હતા, જે નામંજૂર થયા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

 

પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button