“મોબાઈલ બંધ – ભવિષ્ય ચાલુ”

“મોબાઈલ બંધ – ભવિષ્ય ચાલુ”

તૃપ્તિ વ્યાસ, મનોવૈજ્ઞાનિક અને મોટીવેશનલ સ્પીકર
બોર્ડની પરીક્ષા નજીક આવતાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર વિષયોની મુશ્કેલી નથી, પરંતુ સમયનું યોગ્ય સંચાલન છે. આજના સમયમાં મોબાઈલનો વધતો ઉપયોગ, ક્રિકેટ મેનિયા અને શેરી ક્રિકેટનો વધતો ઉત્સાહ ઘણા વિદ્યાર્થીઓને અજાણતાં અભ્યાસથી દૂર લઈ જઈ રહ્યા છે. રમત અને મનોરંજન જીવન માટે જરૂરી છે, પરંતુ નિયંત્રણ વિના તે ભવિષ્ય માટે અવરોધ બની શકે છે.
મોબાઈલ આજે વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. સોશિયલ મીડિયા, રીલ્સ, ગેમ્સ અને સતત નોટિફિકેશન મગજને તરત આનંદ આપે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેને Instant Gratification કહેવાય છે. આ તરત મળતો આનંદ વિદ્યાર્થીઓની એકાગ્રતા અને યાદશક્તિ પર અસર કરે છે. રોજના થોડા મિનિટો અજાણતાં કલાકોમાં બદલાઈ જાય છે અને પછી પરીક્ષા નજીક આવતાં તણાવ વધે છે.
એક વિદ્યાર્થી રાહુલનો અનુભવ ધ્યાન આપવા જેવો છે. તે દરરોજ અભ્યાસ શરૂ કરતા પહેલાં “માત્ર પાંચ મિનિટ” માટે ક્રિકેટનો સ્કોર ચેક કરતો. પરંતુ સ્કોર સાથે હાઇલાઇટ્સ અને કોમેન્ટ્સ જોતા જોતા અડધો કલાક પસાર થઈ જતો. જ્યારે તેણે અભ્યાસ દરમિયાન મોબાઈલ Silent Mode પર રાખવાનો નિર્ણય કર્યો, ત્યારે થોડા જ સમયમાં તેની તૈયારીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.
હાલમાં ક્રિકેટ મેનિયા અને શેરી ક્રિકેટનો ઉત્સાહ પણ વિદ્યાર્થીઓમાં ખૂબ વધી રહ્યો છે. મિત્રો સાથે રમત રમવી ખરાબ નથી; હકીકતમાં રમત શરીરને તંદુરસ્ત રાખે છે, તણાવ ઘટાડે છે અને મગજને તાજગી આપે છે. પરંતુ જ્યારે રમતનો સમય નિયંત્રણ બહાર જાય છે ત્યારે તે અભ્યાસના સમયને ધીમે ધીમે ઓછો કરી દે છે.
મયુર નામનો વિદ્યાર્થી રોજ સાંજે મિત્રો સાથે શેરી ક્રિકેટ રમતો અને પછી થાકને કારણે અભ્યાસ અધૂરો રહી જતો. પરીક્ષા નજીક આવતાં તેણે નક્કી કર્યું કે પરીક્ષા સુધી માત્ર 30–40 મિનિટ રમત અને ત્યારબાદ નિયમિત અભ્યાસ. થોડા જ દિવસોમાં તેની તૈયારી અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો થયો. આ અનુભવ બતાવે છે કે રમત છોડવાની જરૂર નથી, પરંતુ સમયનું સંતુલન જરૂરી છે.
વિદ્યાર્થીઓ માટે કેટલીક સરળ રીતો ખૂબ ઉપયોગી બની શકે છે – અભ્યાસ દરમિયાન મોબાઈલ Silent અથવા Flight Mode પર રાખવો, મનોરંજન માટે નક્કી સમય મર્યાદા રાખવી, સંપૂર્ણ મેચ જોવાને બદલે પરીક્ષા સુધી હાઇલાઇટ્સથી સંતોષ લેવો અને 50 મિનિટ અભ્યાસ પછી 10 મિનિટ બ્રેક લેવાની ટેવ વિકસાવવી. આ નાની આદતો સમય બચાવવામાં મોટી મદદ કરે છે.
સફળ વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ વચ્ચેનો મુખ્ય ફરક બુદ્ધિનો નથી, પરંતુ Self-Control નો છે. જે વિદ્યાર્થી થોડા મહિનાઓ માટે પોતાના સમય પર નિયંત્રણ રાખે છે, તે ભવિષ્યમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
અંતમાં યાદ રાખવું જોઈએ કે મોબાઈલ, મેચ અને મનોરંજન હંમેશા રહેશે, પરંતુ બોર્ડ પરીક્ષાનો સમય ફરીથી પાછો આવતો નથી.
“રમત આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ સમયનું નિયંત્રણ ભવિષ્ય માટે જરૂરી છે.”
“નિયંત્રિત મોબાઈલ ઉપયોગ અને સંતુલિત રમત – સફળ પરીક્ષા તૈયારીની ચાવી.”



