દર્દી સેવા સમિતિ અને સમતા સેવા ફેડરેશનના નેતૃત્વમાં સૈંકડો મજૂરોનું આંદોલન, 1 મેના રોજ ઉગ્ર આંદોલનની ચેતવણી

સુરતમાં કામદાર હોસ્પિટલ શરૂ કરવાની માંગ સાથે જોરદાર ધરણા પ્રદર્શન
દર્દી સેવા સમિતિ અને સમતા સેવા ફેડરેશનના નેતૃત્વમાં સૈંકડો મજૂરોનું આંદોલન, 1 મેના રોજ ઉગ્ર આંદોલનની ચેતવણી
સુરત: શહેરના મજૂરા ગેટ પાસે આવેલ ન્યૂ સિવિલ હોસ્પિટલની બાજુમાં બનેલી ઈએસઆઈસી કામદાર હોસ્પિટલ લાંબા સમયથી બંધ પડેલી હોવાને લઈને ગુરુવારે સૈંકડો મજૂરો અને સામાજિક કાર્યકરો દ્વારા જોરદાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ શરૂ ન થવાને કારણે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર્દી સેવા સમિતિ અને સમતા સેવા ફેડરેશનના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ આંદોલનનું નેતૃત્વ સમિતિના પ્રમુખ સુભાષ પી. ઝાડેએ કર્યું હતું. તેમની સાથે ઉપપ્રમુખ જીતેશ સુરવાડે તથા સમતા સેવા ફેડરેશનની પ્રમુખ આશાબેન મંગલે અને મહામંત્રી દિલીપ સિરાસઠ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
આંદોલનકારીઓએ કામદાર હોસ્પિટલના રીજનલ ડિરેક્ટર, હોસ્પિટલના ડીન તથા અન્ય જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપી હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી.
આવેદનમાં જણાવાયું હતું કે આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ હોવા છતાં મજૂરોને એક્સ-રે અને અન્ય જરૂરી તપાસ માટે ન્યૂ સિવિલ હોસ્પિટલ જવું પડે છે. મજૂરોના પગારમાંથી નિયમિત કપાત થતી હોવા છતાં તેમને જરૂરી આરોગ્ય સેવાઓ મળતી નથી, જેના કારણે અસંતોષ ફેલાયો છે.
આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં કામદાર હોસ્પિટલમાં જરૂરી આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં નહીં આવે તો 1 મે (મજૂર દિવસ)ના રોજ વધુ મોટું અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ધરણા પ્રદર્શનમાં આર.કે. સોનવાણે, બોબી ગુલાલે, ઉલ્હાસ માળી, પ્રતિક્ષા બાવિસ્કર, મંગલદીપ ઝાડે, ભરત સોની, શીતલ સોનવાણે, સંગીતા સિરાસઠ, રોજલિન, અનિલ પાન પાટીલ, નલિની સપકાલ, શ્રીકૃષ્ણ વાનખેડે સહિત અન્ય સમાજસેવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન “કામદાર જિંદાબાદ”ના નારા લગાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે દર્દી સેવા સમિતિના પ્રમુખ સુભાષ પી. ઝાડે તથા સમતા સેવા ફેડરેશનના મહામંત્રી દિલીપ સિરાસઠે તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.



