મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી મોટો અવરોધ ‘દૂર’: TBM મુંબઈ પહોંચ્યું

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી મોટો અવરોધ ‘દૂર’: TBM મુંબઈ પહોંચ્યું
મુંબઈ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટનલ માટે બે ટનલ બોરિંગ મશીનો (TBM) સોમવારે જવાહરલાલ નેહરુ બંદર પર આવી પહોંચ્યા છે. ચીનમાં જીઓ -પોલિટિકલ કારણોને લીધે શિપમેન્ટમાં મહિનાઓનો વિલંબ થયા બાદ આ એક મોટી સફળતા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિપમેન્ટમાં પ્રથમ TBMના બાકીના ભાગોનો સમાવેશ થાય છે – જેનું કટર હેડ 24 સપ્ટેમ્બર, 2025ની આસપાસ મુંબઈ પહોંચ્યું હતું. આ શિપમેન્ટમાં બીજા મશીન માટેના ભાગોનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કન્સાઇન્મેન્ટ માર્ચની શરૂઆતમાં ચીનથી નીકળીને ચેન્નઈ બંદરે પહોંચ્યું હતું અને 18 માર્ચે મુંબઈ માટે રવાના થયું હતું. બંને TBMના આવી જવાથી ભૂગર્ભ પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ શક્ય બનશે. એસેમ્બલી અને પરીક્ષણ પછી લગભગ ત્રણ મહિનામાં બોરિંગ શરૂ થવાની ધારણા છે. આ મશીન મિશ્ર-શિલ્ડ કોન્ફ્રીગ્રેશન ધરાવે છે, જે જટિલ ભૂપ્રદેશને કાપવા માટે ઉપયોગી છે. તેને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને શિલફાટ વચ્ચેના 20.37 કિમીના ભૂગર્ભ ટનલ માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેમાં થાણે ક્રીક હેઠળ 7 કિમી લાંબી દરિયાઈ ટનલનો પણ સમાવેશ થાય છે. TBM મશીનો, જોકે જર્મન કંપની હેરેનકનેક્ટ પાસેથી મેળવવામાં આવ્યા હતા પરંતુ ગુઆંગઝુમાં તેના પ્લાન્ટમાં ઉત્પાદિત થયા હતા. આ વર્ષની શરૂઆતમાં ઔપચારિક મંજૂરી વિના ચીનના બંદર પર ફસાયેલા હતા. આ વિલંબથી 1.08 લાખ કરોડ રૂપિયાના હાઇ-સ્પીડ રેલ કોરિડોરની સમયમર્યાદા અંગે મોટી ચિંતાઓ ઉભી થઈ હતી. રેલવે મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે સંકલનમાં રાજદ્વારી માધ્યમો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025 માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની વાતચીત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલા ભૂગર્ભ પ્રોજેક્ટમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચેનો એક જટિલ ભાગ શામેલ છે. ભારતનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ કોરિડોર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજ્કટમાં મુંબઈમાં ભૂગર્ભ વિભાગને તેના સૌથી પડકારજનક વિભાગોમાંનો એક માનવામાં આવે છે.



