ક્રાઈમ બ્રાન્ચે અલ-કાયદા મામલે NIAની ચાલી રહેલી તપાસમાં વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહેલા શખ્સની કરી ધરપકડ

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે અલ-કાયદા (AQIS) મામલે NIAની ચાલી રહેલી તપાસમાં વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહેલા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ઝડપાયેલ આરોપી અબુ બકરને અલકાયદાની ચાલી રહેલી તપાસમાં વોન્ટેડ આરોપી હુમાય ખાનને આર્થિક મદદ કરતો હતો. તેમજ આ ઝડપાયેલ આરોપીના અલ-કાયદા સાથે કોઈ તાર અથવા કનેક્શન જોડાયા છે કે નહીં તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.જે ડ્રાઇવ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચ ને એક મોટી સફળતા હાથ લાગી છે. સુરત બ્રાંચના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરતના વેસુ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.જે વેળાએ મળેલ બાતમીના આધારે વેસુ સ્થિત કેનાલ રોડ પરથી પસાર થતાં શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ શખ્સની પુછપરછ કરતા પોતાનું નામ અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ બયજસલી ખાન હોવાનું જણાવ્યું હતું. શખ્સ મૂળ બાંગ્લાદેશનો વતની અને ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી આવ્યો હોવાની હકીકત તેણે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જણાવી હતી.
આરોપીની તપાસ કરતા તેની પાસેથી ભારતીય આધારકાર્ડ, ગવર્મેન્ટ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઇડી કાર્ડની નકલ, અંગ્રેજી તથા બાંગ્લાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ ઉપરાંત બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તમામ મુદ્દામાલ કબજે લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
વર્ષ 2015થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હતો
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી, વર્ષ 2015થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહે છે. આ ઉપરાંત પોતે ગેરકાયદેસર રીતે ભારતના બનાવટી પુરાવાને આધારે ભારતીય આધારકાર્ડ બનાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા
સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે, આરોપી અલ- કાયદા (AQIS)ની NIA દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં વોન્ટેડ આરોપી અને મૂળ બાંગ્લાદેશનો વતની હુમાયુખ ખાનના સંપર્કમાં છે. જે હકીકત સાંભળી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ચોંકી ઉઠી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપી વિરુદ્ધ બોગસ દસ્તાવેજ અને પાસપોર્ટ એક્ટ તેમજ એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા રૂલ્સની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા રહેલી છે. એટલું જ નહીં પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ એજન્સીને પણ જાણ કરવા સુધીની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.