સુરતના ઉધના સ્ટેશને ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે લોકો ઊમટ્યા

સુરતના ઉધના સ્ટેશને ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે લોકો ઊમટ્યા
દિવાળી, છઠ અને બિહાર ચૂંટણીને લઈ વતન જવા રવાના
પ્લેટફોર્મ પર કીડિયારું ઊભરાયું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં
આ વર્ષે દિવાળી, છઠપૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના સંયોગને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારતીય રાજ્યો, ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા, રેલવે સ્ટેશન પર જનસાગર ઊમટ્યો છે. મુસાફરોની આ જંગી ભીડને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરો એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની ટીમોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં, ભીડ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુસાફરોની માગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ગત વર્ષોમાં આ સિઝનમાં જોવા મળેલી ભારે ભીડ અને એના કારણે થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટ્રિપ્સની જાહેરાત કરી છે, જોકે મુસાફરોની સંખ્યા એટલી વિશાળ છે કે વિશેષ ટ્રેનો પણ ઓછી પડી રહી છે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને રેલવે તેમજ સુરક્ષા દળોને સહકાર આપે. આ ભીડ આગામી થોડા દિવસો સુધી રહેવાની શક્યતા છે, જ્યાં સુધી મોટા ભાગના પ્રવાસીઓ તેમના વતન પહોંચી ન જાય.