લોક સમસ્યા

પુનિયાદ–આનંદી રોડ પાંચ વર્ષમાં ત્રીજી વાર બિસ્માર: રજૂઆત છતાં ખાડા યથાવત, તંત્ર સામે લોકોમાં રોષ

પુનિયાદ–આનંદી રોડ પાંચ વર્ષમાં ત્રીજી વાર બિસ્માર: રજૂઆત છતાં ખાડા યથાવત, તંત્ર સામે લોકોમાં રોષ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પુનિયાદથી આનંદી ગામને જોડતો રસ્તો છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વાર અતિ બિસ્માર હાલતમાં પહોંચ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 18 ફેબ્રુઆરીએ કાર્યપાલક ઇજનેર અને એસ.ઓ. સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી રસ્તાના ખાડાઓ પૂરવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા હેઠળ ડભોઇ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના તાબામાં આવે છે. છતાં શિનોર તાલુકાના રસ્તાઓ અંગે યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા છે. નવા રસ્તાઓના કામમાં કોન્ટ્રાક્ટર અને તંત્રના કેટલાક અધિકારીઓ વચ્ચે મેળાપીપણું હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાની મરામત માટે કયા ધોરણો અપનાવવામાં આવે છે તેની કોઈ પારદર્શિતા નથી. વારંવાર હલકી કક્ષાનું કામ થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ પગલાં લેવાતા નથી. પુનિયાદ–આનંદી માર્ગ પર ત્રણ વખત મરામત થયા બાદ પણ ખાડાઓ યથાવત રહેતા હોવા કારણે કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાથે જ, વેઠ ઉતાર અને ભંગારકામ કરનાર એજન્સી સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પણ તપાસનો વિષય બન્યો છે. તાજેતરમાં સાધલીથી દિવેર સુધીના નવા બનેલા રસ્તા અંગે પણ સમાચારો પ્રકાશમાં આવ્યા હતા, જેના બાદ ફરીથી મરામત કરવાની નોબત આવી હોવાનું જણાવવામાં આવે છે. સ્થાનિક આગેવાન હસમુખ પટેલ (સાધલી)એ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ પોતાની ફરજ પ્રત્યે ગંભીરતા દાખવીને રસ્તાઓની ગુણવત્તા સુધારવી જરૂરી છે જેથી જનતાને યોગ્ય સુવિધા મળી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button