ધર્મ દર્શન

સુરતમાં રમાઈજી જન્મોત્સવે ગુંજ્યો એકતા, શિક્ષણ અને સમાજપ્રગતિનો સંદેશ

સુરતમાં રમાઈજી જન્મોત્સવે ગુંજ્યો એકતા, શિક્ષણ અને સમાજપ્રગતિનો સંદેશ
યુવા નેતા કુણાલ સોનવણેના આયોજનથી રમાઈજી જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

સુરત., શહેરના ભટાર, આઝાદ નગર ખાતે આવેલ લોક કલ્યાણ બુદ્ધ વિહારમાં ત્યાગમૂર્તિ માતોશ્રી રમાઈજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી શ્રદ્ધાભાવે માતોશ્રી રમાઈજીને યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં એકતા, શિક્ષણ અને સમાજપ્રગતિનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત માતોશ્રી રમાઈજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતોશ્રી રમાઈજીના ત્યાગમય જીવન, સંઘર્ષમય સફર અને બી ,આર,અંબેડકર જી ના મહાન કાર્યમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે માતોશ્રી રમાઈજીનું જીવન સમાજ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે, જે આપણને સંઘર્ષ વચ્ચે પણ સત્ય અને સમાનતાના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સમાજસેવક તથા મુબંઈ ના ઉદ્યોગપતિ રોહિત પિસાલ (ગોલ્ડ મેન) એ પોતાના સંબોધનમાં સમાજને શિક્ષણ, એકતા અને સંગઠન દ્વારા પ્રગતિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર છે અને યુવાનોને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત દલિત સમાજના આગેવાન માનનીય માનવ બંધુ વિજયભાઈ મૈસુરિયાએ પોતાના સંબોધનમાં આંબેડકરી વિચારધારાને સમાજમાં વધુ મજબૂત બનાવવા અને સામાજિક સમરસતા સ્થાપિત કરવા સૌને એકતાથી કાર્ય કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રમુખ મહેમાન તરીકે માનનીય લીલાબેન બી. સોનવણે (માજી નગરસેવિકા, સુરત), માનનીય ગણેશભાઈ માળવે (નગરસેવક, શિરપુર), માનનીય વશીમભાઈ કુરેશી (પ્રમુખ, માહિરા ફાઉન્ડેશન) તેમજ માનનીય ઉખરડું ધીવરે બાપુ (સમાજ અગ્રણી, સુરત) સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના જાણીતા ગાયકો દ્વારા રમાઈ ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયક અને ભાવનાત્મક બની ગયું હતું. ઉપસ્થિત સૌએ માતોશ્રી રમાઈજીના આદર્શોને જીવનમાં અપનાવી સમાજના વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના સફળ આયોજન માટે આયોજક કુણાલભાઈ સોનવણે તથા સમસ્ત આંબેડકરી સમાજ, સુરત શહેરના કાર્યકરો દ્વારા વિશેષ પરિશ્રમ કરવામાં આવ્યો હતો. અંતમાં આયોજકો દ્વારા તમામ મહેમાનો અને ઉપસ્થિત જનસમૂહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે યુવા નેતા કુણાલ સોનવને દ્વારા હંમેશા સમાજ હિત માટે અને યુવાનો માટે પ્રેરણાદાયી કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button