વાંચો શું લખ્યું છે આવું કે લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે ! નિવૃત આઈજી રમેશ સવાણી આઇપીએસ

લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે ! નિવૃત આઈજી રમેશ સવાણી આઇપીએસ
વડાપ્રધાન ચિંતનશીલ હોવા જોઈએ, વિવેકબુદ્ધિ વાળા હોવા જોઈએ. દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વિપક્ષનો આદર કરનારા હોવા જોઈએ. નાગરિકોને પ્રેરણા મળે તેવું તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ ! નાગરિકોને વડાપ્રધાન પ્રત્યે ભક્તિ નહીં પણ ગૌરવ થાય તેવા હોવા જોઈએ !
દુ:ખની વાત એ છે કે આપણા વડાપ્રધાન ગામના સરપંચ પણ ન બોલે તેવું બોલે છે ! લોકોને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચૂપ રહે છે, અને પોતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે જ મોં ખોલે છે ! જેમકે :
[1] હું ચોકીદાર છું ! [2] હું ચા વેચતો હતો !સરપંચ કદાય આવું બોલે તો માફ કરી શકાય; પરંતુ વડાપ્રધાન આવું બોલી શકે નહીં ! વડાપ્રધાને મહત્વના મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ ! જેમકે :
[1] રોજગાર. [2] મોંઘવારી. [3] સારું અને મફત શિક્ષણ. [4] સારી અને મફત આરોગ્ય સેવા. [5] કાયદાનું શાસન. બંધારણીય મૂલ્યો. [6] નાગરિકોની સુરક્ષા. મહિલા, બાળકો, વંચિતો, દલિતો, લઘુમતીની સુરક્ષા. દેશની સરહદોની સુરક્ષા. [7] કૃષિ ઉપજના ભાવ. [8] ભ્રષ્ટાચાર, કાળું નાણું. [9] સારી અર્થ વ્યવસ્થા. [10] રુપિયાની મજબૂતી. [11] સ્વરોજગાર/ લધુઉદ્યોગ.વડાપ્રધાન લોકોની સમસ્યા જોવાને બદલે પોતાની સમસ્યાઓના જ રોંદણાં રોવે છે ! લોકોનું ધ્યાન ભટકાવવા મંદિરોમાં જઈને આરતી ઊતારે છે !કોર્પોરેટ કથાકારો/ ફિલ્મ કલાકારો અને ડાયરાના કલાકારો પાસે વાહવાહી કરાવે છે ! દરબારી મીડિયા/ IT Cell મારફતે જૂઠાણાં / અર્ધસત્ય ફેલાવે છે ! વિપક્ષને ખલનાયક અને ના-લાયક ચિતરે છે ! લોકોને ગેરમાર્ગે દોરવા જ 18-18 કલાક કામ કરે છે
વડાપ્રધાનની કળા જૂઓ; 10 લાખનો સૂટ પહેરે છતાં પોતાને ફકીર તરીકે, ગરીબ તરીકે સ્થાપિત કરી શકે છે
CBI, ED, IT, NIA જેવી એજન્સીઓ તથા SC, EC, CAG જેવી બંધારણીય સંસ્થાઓ વડાપ્રધાનની કઠપૂતળી બની ગઈ છે; વડાપ્રધાન પાસે સંસદમાં બહુમતી છે, તેમની 18થી વધુ રાજ્યોમાં સરકારો છે, છતાં વડાપ્રધાન કહે છે કે ‘વિપક્ષો મને કામ કામ કરવા દેતા નથી !’ લોકો માની પણ જાય છે !
વડાપ્રધાન પોતાના પક્ષમાં ભૂતકાળમાં CBIએ કરોડોના કૌભાંડમાં જેમની પર રેઈડ પાડેલ હોય તેવા જેલનિવાસી ક્રિમિનલોનું સ્વાગત કરે છે. ભ્રષ્ટ નેતાને મુખ્યમંત્રી બનાવે છે, ઉપમુખ્યમંત્રી બનાવે છે ! છતાં લોકોની ધારણા બની ગઈ છે કે વડાપ્રધાન ભ્રષ્ટાચારને બિલકુલ ખતમ કરી દેશે ! સરહદ પર સૈનિકો શહીદ થતાં રહે છે; ચીને લદાખમાં આપણા 64માંથી 27 પેટ્રોલિંગ થાણાં પચાવી પાડ્યા છે; ત્યાં આપણું લશ્કર જઈ શકતું નથી; ચીને અરુણાચલ પ્રદેશના શહેરોના નામ બદલી નાખ્યાં છે; આપણી સરહદમાં ચીને ગામડાં ઊભા કર્યા છે; છતાં લોકો કહે છે કે પાકિસ્તાન અને ચીન વડાપ્રધાનથી થરથર કાંપી રહ્યા છે !
10 વરસના શાસન દરમિયાન કાશ્મિરી પંડિતોનું પુવર્વસન ન કર્યું છતાં દરબારી મીડિયા વડાપ્રધાનને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે !
કિસાનો આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરે છે, છતાં કિસાનોની ડબલ આવક થઈ ગઈ છે; એ ભ્રમ લોકોના ગળે ઊતરાવી દીધો છે !
રાંધણ ગેસ સિલિન્ડરના રુપિયા 400 માંથી રુપિયા 1100 થયા, છતાં ઉજ્જવલા યોજનાની સફળતા ગીતો ગવડાવે છે !
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ થાય છે, દલિત કન્યાઓ પર ગેંગરેપ થાય છે; છતાં વડાપ્રધાન ‘બેટી બચાઓ’ અભિયાનની સફળતાના ઢોલ પીટે છે ! ‘નોટબંધીનું સારુ પરિણામ ન આવે તો લોકો કહે ત્યાં ચાર રસ્તાએ ઊભો રહીશ અને લોકો જે સજા કરે તે ભોગવીશ !’ તેમ કહેનાર વડાપ્રધાન તો નોટબંધીનું નામ જ લેતા નથી ! છતાં લોકો ભૂલી ગયા ! કોરોના સેકન્ડ વેવમાં લાખો લોકોના મોત ઓક્સિઝનના અભાવે થયાં છતાં સંસદમાં વડાપ્રધાને કહ્યું કે ‘એક પણ મોત ઓક્સિઝનના અભાવને કારણે થયું નથી !’ છતાં પીડિત પરિવારો આ જૂઠને પચાવી ગયા ! કોણ જાણે લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે કે રોજગાર/ શિક્ષણ/ આરોગ્ય/ સલામતી જેવા બુનિયાદી મુદ્દાઓ કરતાં ધર્મ/ જાતિ/ ગોત્ર/ આસ્થા/ નકલી રાષ્ટ્રવાદ/ નકલી ભક્તિ/ નફરત/ ધૃણાના મુદ્દાઓ લોકોને બેહદ ગમે છે ! ધર્મનો નશો એવો છે કે તેમાં અસત્ય સત્ય અને સત્ય અસત્ય દેખાય છે ! તેમાં અવગુણ ગુણ અને ગુણ અવગુણ દેખાય છે !
– રમેશ સાવાણી
(નિવૃત આઇ.પી.એસ.)