મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે રૂ.૯૨૭ કરોડની ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના’નું લોકાર્પણ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે રૂ.૯૨૭ કરોડની ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના’નું લોકાર્પણ થશે
તા.૭મી માર્ચના રોજ ઉમરપાડા તાલુકાના કેવડી ગામે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે
૭૩ ગામોની ૫૪ હજાર એકર જમીનને મળશે સિંચાઈનું પાણીઃ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે
જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરભાઈ પટેલે લોકાર્પણ સ્થળ અને પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૭મી માર્ચના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી આદિવાસી પંથકની જીવાદોરી સમાન ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના’નું લોકાર્પણ કરશે. રૂા.૯૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજના થકી વર્ષોથી સિંચાઈના પાણીની અછત ભોગવતા ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના ૭૩ ગામોના હજારો ખેડૂતોને સિંચાઈ મળવાથી સીધો લાભ મળશે.
આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે આજરોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાએ સાદડપાણી સ્થિત પમ્પિંગ સ્ટેશન નં-૪ અને કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે એન્જિનિયરિંગ કામગીરી અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ યોજનાથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામોની ૩૫,૯૫૦ એકર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોની ૧૭,૮૦૦ એકર મળી કુલ ૭૩ ગામોની આશરે ૫૩,૭૫૦ એકર (૨૧,૭૫૦ હેક્ટર) જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.
પાઇપલાઇનના પથરેખામાં આવતા ૧૦૦થી વધુ હયાત ચેકડેમો અને ૩૫-૪૦ કોતરોને આ યોજના દ્વારા ભરવાનું આયોજન છે, જેનાથી વિસ્તારના બોર રિચાર્જ થશે અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. અંદાજે રૂ.૯૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજના અહીંના આદિવાસી પરિવારોની સમૃધ્ધિના નવા દ્વાર ખોલશે.
ઉમરપાડા અને ડેડિયાપાડાનો વિસ્તાર ડુંગરાળ હોવાથી નહેર દ્વારા પાણી પહોંચાડવું અશક્ય હતું. આ યોજના અંતર્ગત ઉકાઈ જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન (ઉદ્દવહન) દ્વારા ઊંચાઈવાળા વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે.
આ યોજનાના લોકાર્પણથી આદિવાસી ખેડૂતો હવે વર્ષની ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે, જેનાથી સ્થળાંતર અટકશે અને સ્થાનિક સ્તરે રોજગારી તેમજ આર્થિક સદ્ધરતા વધશે. રાજ્ય સરકારના આ ભગીરથ પ્રયાસને કારણે ઉમરપાડા અને ડેડિયાપાડાનો પંથક નવપલ્લવિત થશે.



