શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતમાં શિક્ષાપત્રી પોથીયાત્રા, પૂજન, મહિમાગાન વગેરે કાર્યક્રમો યોજાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતમાં શિક્ષાપત્રી પોથીયાત્રા, પૂજન, મહિમાગાન વગેરે કાર્યક્રમો યોજાયા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ‘શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રી પોથીયાત્રા, પૂજન, મહિમાગાન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અયોધ્યા ચોક (સરથાણા)થી પોથીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુંદર રીતે શણગારેલાં બળદગાડામાં શ્રી ઘનશ્યામ મહારાજ, શિક્ષાપત્રી લખતા સહજાનંદ સ્વામી મહારાજ વગેરે મૂતિઓ પધરાવવામાં આવી હતી. પૂજનીય સંતો પણ બળદગાડામાં બિરાજમાન થયા હતા. નાનાં નાનાં બાળકો વિવિધ પરિધાનમાં સજ્જ થઈને અને મહિલાઓ શિક્ષાપત્રીને મસ્તક પર ધારણ કરીને શિક્ષાપત્રી પોથીયાત્રામાં જોડાયાં હતાં. ભાઈઓએ કીર્તનભક્તિ – ઉત્સવનો આનંદ માણ્યો હતો. પોથીયાત્રા મંદિરે પહોંચ્યા પછી ગ્રંથરત્ન શિક્ષાપત્રીનું પૂજન અને મહિમાગાન કરવામાં આવ્યું. મંત્રોચ્ચાર સાથે વિશ્વશાંતિ માટે યજ્ઞ કરવામાં આવ્યો; તેમાં આહૂતિ આપવાનો સૌને લહાવો મળ્યો હતો. આ પ્રસંગે સુરતના મંદિરના મહંત શ્રી સંત શિરોમણિ શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, વડોદરા અને સુરતના પૂર્વ મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી સંત શિરોમણિ શ્રી મુનીશ્વરદાસજી સ્વામી, મહંત શ્રી સનાતનદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
શિક્ષાપત્રીના મહાત્મ્ય વિશે શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘શિક્ષાપત્રી’ એક અદ્વિતીય ગ્રંથ છે. આ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે ભક્તો અને સમગ્ર માનવ સમાજ માટે આદર્શ સદાચાર, શિસ્ત અને નૈતિક જીવન જીવવાનો એક મહાકારી માર્ગદર્શક ગ્રંથ છે. સંસ્કૃતમાં રચાયેલા ૨૧૨ શ્લોકોનો આ સંગ્રહ, આજથી બે સદી પૂર્વે સમાજ સુધારણા અને ધાર્મિક ઉત્થાનનું પાયાનું કાર્ય બની રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગીઓ માટે આપેલ આદેશો કહો તો આદેશો કે ઉપદેશનો ગ્રંથ એટલે શિક્ષાપત્રી. માત્ર 212 શ્લોકમાં આપેલ ધર્મપાલનનો આદેશ એ શિક્ષાપત્રી માત્ર સત્સંગીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતને માટે જીવન જીવવાની કેડી કંડારી આપી. ‘મારી ચીંધેલી કેડીએ કેડીએ ચાલશો તો ક્યારેય દુ:ખી નહીં થાઓ.’ એ સર્વજનહિતાય રસ્તો કંડારી સહજાનંદ સ્વામીએ અવતાર કાર્ય કર્યું.
શિક્ષાપત્રી Shikshapatri વિષે નોબલ પ્રાઇઝ વિજેતા ડૉ. કોનાર્ક લેરીન્સે એકવાર બહુ માર્મિક વાત કરી હતી: એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ નથી, પણ માનવમાત્રના કલ્યાણની સીડી છે. તેનો અમલ કરવાથી જીવનમાં સદૈવ ‘વસંત’ ખીલેલી રહે છે. શિક્ષાપત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા પાછળનો એક જ માત્ર હેતુ છે કે, ભગવાનનો રાજીપો મેળવવો. ભાવનાથી દરેક કાર્ય હંમેશાં સફળ થતું હોય છે.



