શ્રી રાજેશ ધામેલિયાને ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા ‘સાહિત્યસાધના પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યું

શ્રી રાજેશ ધામેલિયાને ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા ‘સાહિત્યસાધના પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહ આનંદ નિકેતન સ્કૂલ -સુઘડ, ગાંધીનગર ખાતે તા.05-01-2026ના રોજ યોજાયું. આ પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકો સાહિત્ય, કલા, ટૅક્નૉલૉજી વિશેષ પ્રદાન કરી રહ્યા છે તેમને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે શ્રી રાજેશકુમાર વશરામભાઈ ધામેલિયાને જાણીતા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગરસાહેબ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ટી. એસ. જોશીસાહેબના વરદ હસ્તે ‘સાહિત્યસાધના પારિતોષિક’ પ્રાપ્ત થયું. તેઓ સુરતના જાણીતા અખબાર ‘ધબકાર’માં છેલ્લાં અગિયાર વર્ષથી ‘શબ્દસરિતા’ અને રાજકોટથી પ્રકાશિત ‘અગ્ર ગુજરાત’માં બે વર્ષથી ‘શબ્દસાધના’ કૉલમ લખે છે. ‘ધર્મનંદન શબ્દતીર્થ’નું છેલ્લાં તેર વર્ષથી સંપાદન કરે છે. અખબારો અને સામયિકોમાં એમના ૮૦૦થી વધારે લેખો પ્રસિદ્ધ થયા છે, વિવિધ ચૅનલોમાં ‘માતૃભાષા’ અંગેના એમના કાર્યક્રમો પ્રસારિત થયા છે. એમણે ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષા સજ્જતા’ પુસ્તિકાઓનું સંપાદન કર્યું. આ પુસ્તિકાઓ ૩,૫૦,૦૦૦થી વધારે લોકોએ વસાવી છે. ‘બાળકેળવણી’, ‘ગૌરવવંતાં પથદર્શકો’, ‘ગૌરવશાળી ગુજરાતીઓ’ વગેરે પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમના સાહિત્ય ક્ષેત્રના પ્રદાનની નોંધ લઈને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે માનનીય શ્રીમતી રિવાબા જાડેજા (રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય), શ્રી કુબેરભાઈ ડિંડોર (પૂર્વ કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી), માનનીય શ્રી શ્રી કમલ મંગલજી અને શ્રી વિવેકભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ફેડરેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
શ્રી રાજેશકુમાર ધામેલિયા શિક્ષણકાર્યની સાથે માતૃભાષા સંવર્ધન, સામાજિક કાર્યો વગેરે અનેક ક્ષેત્રોમાં પ્રદાન કરી રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકા સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨, નાના વરાછામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પી.ટી.સી.ના અભ્યાસ દરમિયાન એમણે શ્રેષ્ઠ શાળાનિર્માણનું સ્વપ્ન જોયું, જે અહીં સમગ્ર શાળાપરિવારના સહિયારા પ્રયાસોથી સાકાર થયું. અહીં વર્ષ ૨૦૦૩માં પ્રથમ વર્ષે માત્ર ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, હાલમાં બે પાળીમાં ૩૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સેંકડો વાલીઓ પ્રવેશ માટે ફોર્મ ભરતા હોવાથી ડ્રો કરવો પડે છે. શાળાને વિશિષ્ટ સિદ્ધિ અપાવવામાં સૌ શિક્ષકમિત્રોની સાથે એમનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગણિત અને અંગ્રેજી વિષયના તજ્જ્ઞ તરીકે ‘શિક્ષક સજ્જતા તાલીમ’માં સેવા આપનાર શ્રી રાજેશ ધામેલિયા વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર અને શાળાના વિકાસની અનેકવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓની સાથે માતૃભાષા સંવર્ધનનું અનોખું કાર્ય કરે છે. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ અને ગુજરાત ઉપરાંત દીવ, દમણ, દાદરાનગર હવેલી તેમજ મુંબઈની ગુજરાતી-અંગ્રેજી માધ્યમની શાળાઓના શિક્ષકો માટે ૮૫૦ જેટલા વિવિધ સેમિનાર યોજાયા છે. ‘પારિવારિક સ્નેહમિલન’, ‘વાલી સંમેલન’ વગેરેમાં એમનાં વક્તવ્યો યોજાયા છે. ન્યૂયોર્ક-અમેરિકા સ્થિત (મૂળ ગુજરાતી) વિદ્યાર્થીઓ માટે પણ વેબિનાર યોજ્યા છે. આમ, એમનું કાર્ય માત્ર શાળા, જિલ્લા કે રાજ્ય પૂરતું સીમિત ન રહેતા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચ્યું છે. આમ, તેઓ શિક્ષક, લેખક, સંપાદક, વક્તા એમ બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમનાં અનેકવિધ કાર્યોની નોંધ લઈને અનેક સંસ્થાઓએ એમને બિરદાવ્યા છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ. પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે “સાહિત્ય સુધાકર ઍવૉર્ડ’’, વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક”, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે “રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત ‘ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘માતૃભાષાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘વિશિષ્ટ સેવા ઍવૉર્ડ’, ‘સુરત જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘શિક્ષક સજ્જતા ઍવૉર્ડ’, ‘અચલા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘સેવા સન્માન ઍવૉર્ડ’, ’ગુરુકુલ જ્ઞાનજ્યોતિ ઍવૉર્ડ’, ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’ વગેરે ઍવૉર્ડથી વિવિધ સંસ્થાઓએ એમને સંમાનિત કર્યા છે.



