શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટની ભાગ્યલક્ષ્મી યોજના દીકરીઓના પરિવારો માટે આશીર્વાદ રૂપ બની

શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટની ભાગ્યલક્ષ્મી યોજના દીકરીઓના પરિવારો માટે આશીર્વાદ રૂપ બની
બેટી બચાવો અભિયાન અંતર્ગત પાટીદાર સમાજમાં 4 કે તેથી વધુ દીકરી ધરાવતા 24 પરિવારોને SRK ગ્રુપની નાણાંકીય સહાય
સુરત : “દીકરો જન્મે તો સમજવાનું કે એક વિભૂતિ આવી છે, પણ દીકરી જન્મે એને ત્યાં સાત-સાત વિભૂતિઓ આવે છે. “કીર્તિઃ શ્રીર્વાક્ય નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥ ” મતલબ કે કીર્તિ, શ્રી, વાફ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ સાત વિભૂતિઓનાં નામ ભગવદ ગીતાકારે લખ્યાં છે. જ્યારે જ્યારે કન્યાનો જન્મ થાય ત્યારે ઉત્સવ મનાવજો. આ વિચારને જીવનમાં ઉતારવા માટે એસઆરકે પરિવાર છેલ્લા છ દાયકાથી કાર્યરત છે.
એસઆરકે પરિવાર અને શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી પાટીદાર સમાજના પરિવારની દીકરીઓના સશક્તિકરણ માટેની ભાગ્યલક્ષ્મી યોજના અંતર્ગત તા. 23 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10.30 કલાકે 24 જરૂરિયાતમંદ પટેલ પરિવારોને નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ગોવિંદભાઇ ધોળકીયા સહાયદાતા બન્યા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના શ્રી માધવી ધોળકીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ધોળકીયા પરિવાર અને નારોલા પરિવારે ઉપસ્થિત રહી સમાજસેવાના આ પ્રયત્નમાં યોગદાન આપ્યું હતું.
ભાગ્યલક્ષ્મી યોજના વર્ષ 2007થી સતત કાર્યરત છે. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ હેતુ આ યોજના મહત્વપૂર્ણ બની રહી છે. આજ સુધી અસંખ્ય પરિવારોને આ યોજનાથી સીધો લાભ મળ્યો છે, જેના કારણે સમાજમાં દીકરીઓના શિક્ષણ, સ્વાવલંબન અને સશક્તિકરણના મૂલ્યો મજબૂત થયા છે.
આ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ દીકરીઓના પરિવારોના જીવનમાં આશાનું કિરણ બની છે. સમાજમાં દીકરીઓની ખોટ પુરવા અને તેમને સશક્ત બનાવી સમાજના મૂળમાં મજબૂતાઈ લાવવા પ્રેરણારૂપ બની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ આ સેવા પ્રવૃત્તિની પરંપરા જાળવી રાખવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પણ વધુમાં વધુ પરિવારોને આ યોજનાથી લાભ અપાવવાનો સંકલ્પ લેવાયો હતો.
ભાગ્યલક્ષ્મી યોજનામાં સહાય કોને મળી શકે છે : વર્ષ 2007 બાદ કોઇ પણ પટેલ પરિવારમાં જન્મેલ ચોથી અથવા તેનાથી વધુ દીકરીઓનો જન્મ થયો હોય તેવા પરિવાર માટે શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટની ભાગ્યલક્ષ્મી યોજના કાર્યરત છે. આવા ચાર કે તેનાથી વધુ દીકરી ધરાવતા પરિવારને નાણાંકીય સહાય આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.