સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા ધરપકડ

સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા ધરપકડ
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી ગીરના શાન ગણાતા એશિયાટિક સિંહના ૨ નખ અને જૂનવાણી સમયનું કાળિયાર હરણનું ચામડું મળી આવ્યું હતું.
આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વનવિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે પછી અન્ય કોઈ રીતે આ નખ મેળવ્યા છે. કાળિયારના ચામડાની પણ સઘન તપાસ ચાલી રહી છે.
વન્યજીવોના અવશેષો મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં ચિંતા વ્યાપી છે. વનવિભાગ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેથી વન્યજીવોના શિકાર અથવા તેમના અવશેષોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવી શકાય.